Uttarakhand Chamoli Avalanche Rescue Operation: ઉત્તરાખંડના ચમોલીમાં 28 ફેબ્રુઆરીના રોજ હિમપ્રપાત બાદ લાપતા થયેલા ચાર મજૂરોને શોધવા માટે સેના પૂરી કોશિશ કરી રહી છે. બચાવકર્તાઓ કહે છે કે ત્રણેય કન્ટેનરની શોધ એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે કારણ કે આ તે સ્થાનો છે જ્યાં કામદારો રોકાયા હતા. અત્યાર સુધીમાં પાંચ કન્ટેનર શોધી કાઢવામાં આવ્યા છે, પરંતુ 6 ફૂટ ઊંડા બરફને કારણે ત્રણ કન્ટેનર હજી પણ ગાયબ છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) પ્રોજેક્ટ પર કામ કરતા લગભગ 60 મજૂરો હિમપ્રપાતથી પ્રભાવિત થયા હતા. શનિવારે સાંજ સુધીમાં 51 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ચારના મોત થયા હતા અને ચાર હજુ પણ લાપતા છે. ગુમ થયેલા કન્ટેનરોને શોધવા માટે આર્મી સ્નિફર ડોગ્સને તૈનાત કરવામાં આવ્યા છે અને ત્રણ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બરફની નીચે દટાયેલા કન્ટેનરોને શોધવા માટે દિલ્હીથી ગ્રાઉન્ડ મર્મિંગ રડાર લાવવામાં આવ્યું છે.
બચાવકર્તાઓનું કહેવું છે કે, સ્ટીલથી બનેલા અને બરફવર્ષા દરમિયાન કામદારો જેમાં રોકાયા હતા તે કન્ટેનર વિનાશક હિમપ્રપાત અને ખરાબ હવામાનનો સામનો કરવા માટે સક્ષમ છે. જેના કારણે મોટાભાગના લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મજૂરો બદ્રીનાથ થઈને માના ગામથી માના પાસને જોડતા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
ઉત્તરાખંડમાં ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ મજૂરો બીઆરઓના શિવાલિક પ્રોજેક્ટમાં સામેલ ટીમનો ભાગ હતા, જે ગઢવાલ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સામેલ છે. બીઆરઓ ભારત-ચીન સરહદ નજીક આવેલા માનામાં રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે, જ્યાં મજૂરો બરફ સાફ કરવા, ડામર પાથરવા અને સેના માટે માર્ગ બનાવવામાં રોકાયેલા હતા. શિવાલિક પ્રોજેક્ટ હેઠળ ચારધામ પ્રોજેક્ટના માર્ગ નિર્માણ કાર્યનો પણ સમાવેશ થાય છે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કન્ટેનરોએ કામદારોને ઠંડી અને બરફથી બચાવવામાં મદદ કરી હતી. “જો તેઓ તંબુમાં હોત, તો તેઓ કદાચ બચી શક્યા ન હોત,” તેમણે કહ્યું. આર્મી અને બીઆરઓ દ્વારા ઊંચાણવાળા વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા આ કન્ટેનર સ્ટીલના બનેલા હોય છે અને તેમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હોય છે. “આ કન્ટેનર અચાનક બરફવર્ષાની પ્રથમ અસરોને રોકવામાં મદદ કરે છે અને લાંબા સમયથી ઉપયોગમાં લેવાય છે. અમે કેમ્પિંગ પહેલાં નિયમિત તપાસ પણ કરીએ છીએ, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારોમાં નથી. જો કે, કુદરતી આપત્તિઓ પર માનવ નિયંત્રણ મર્યાદિત છે. ”
2013ના કેદારનાથ પૂર દરમિયાન બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનારા પર્વતારોહક અને નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ કર્નલ અજય કોઠિયાલે જણાવ્યું હતું કે કામદારો સામાન્ય રીતે એવા તંબુઓમાં રહે છે જે હિમપ્રપાતનો વેગ અને વજન સહન કરી શકતા નથી.
તેમણે ઉમેર્યું કે, “આવા કન્ટેનર વેધરપ્રૂફ અને સીલબંધ હોય છે, જે સમય ની સાથે ઓક્સિજન લેવલ ઓછું કરે છે. જો કે કામદારો તંબુમાં હોત તો આ ઘટના બાદ ચાર કલાક સુધી તેઓ બચી શક્યા ન હોત. ”
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કન્ટેનર્સની ગતિશીલતા અંગે પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે કામદારોએ લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે.
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર કોઢિયાલે જણાવ્યું કે, “સામાન્ય રીતે, માનાને શિયાળામાં ખાલી કરી દેવામાં આવે છે કારણ કે તે હિમપ્રપાત માટે સંવેદનશીલ હોય છે. જો કે, આ વખતે બરફવર્ષા ઓછી હતી, તાપમાન વધી રહ્યું હતું, તેથી કામદારો ત્યાં જ રોકાયેલા હતા. જો તંબુ અને કપડાં સાથે કેમ્પ ગોઠવવામાં આવે અને બરફ જામી જાય તો તેમાં દટાયેલા લોકોને બહાર કાઢવા અત્યંત મુશ્કેલ બની જાય છે.
બચાવવામાં આવેલા લોકોમાં સામેલ 35 વર્ષીય નરેશ બિષ્ટના પિતા ધનસિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, તેમણે ગઈકાલે રાત્રે તેમના પુત્ર સાથે વાત કરી હતી. નરેશે તેમને કહ્યું હતું કે સતત બરફવર્ષાને કારણે હવામાન ખરાબ છે.
તેમણે કહ્યું કે, આ તેને જોખમી લાગે છે, પરંતુ તેનું કન્ટેનર પર્વતોની નીચે હતું, તેથી અમે વધારે ચિંતા કરી નહીં. તે ત્યાં એક વર્ષથી કામ કરતો હતો અને વિડિયો કોલ પર અમને તેનું ઠેકાણું બતાવતો હતો. તેના કન્ટેનરમાં એક પલંગ અને શૌચાલય હતું. તેઓ ખરાબ હવામાનમાં અંદર જ રહેતા હતા. આ મેટલ બોક્સ કારણે જ તેઓ આજે જીવીત છે.
નરેશ અન્ય ત્રણ મજૂરો સાથે એક રૂમમાં રહેતો હતો, જ્યારે તેનો ભત્રીજો દીક્ષિત આ જ કેમ્પમાં એક અલગ રૂમમાં રહેતો હતો, એમ તેણે જણાવ્યું હતું. નરેશ માર્ગ નિર્માણ માટે વપરાતા મશીનો ચલાવતો હતો.
ધન સિંહ બિષ્ટે કહ્યું, “અમે બપોરે લગભગ ૧.૩૦ વાગ્યે લંચ કરી રહ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અમને આ ઘટના વિશે જાણ થઈ. અમે તરત જ નરેશનો નંબર ડાયલ કર્યો, પણ વાત ન થઇ શકી. ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ આવતો હતો. સાંજે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતાં અમને કહેવામાં આવ્યું કે નરેશને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે આજે સવારે અમને ફોન કરીને કહ્યું કે તે ઠીક છે. મારો ભત્રીજો દીક્ષિત પણ બચી ગયો છે, જે બીજા કન્ટેનરમાં હતો. ”
મૃતકોની ઓળખ ઉત્તરાખંડના આલોક યાદવ, ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને હિમાચલ પ્રદેશના જિતેન્દ્ર સિંહ અને મોહિન્દર પાલ તરીકે થઈ છે. ફસાયેલા મજૂરોની ઓળખ હિમાચલ પ્રદેશના હરમેશ ચંદ, ઉત્તર પ્રદેશના અશોક અને ઉત્તરાખંડના અનિલ કુમાર અને અરવિંદ કુમાર સિંહ તરીકે થઈ છે.
પર્યાવરણવિદ અને ચારધામ હાઇવે પ્રોજેક્ટ અંગેની ઉચ્ચ સ્તરીય સમિતિના ભૂતપૂર્વ ચેરમેન રવિ ચોપરાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હિમપ્રપાત સામાન્ય છે. તેમણે જણાવ્યું કે, લોકો આ સ્થળોએ કાયમી ધોરણે રહેતા નથી. ત્યાં આખું વર્ષ કામ કરવું શક્ય નથી કારણ કે આ વિસ્તાર મોટે ભાગે બરફથી ઢંકાયેલો રહે છે. થોડા વર્ષો પહેલા જોશીમઠથી મલારી પાસ સુધી હિમસ્ખલન થયું હતું, જેમાં માર્ગ નિર્માણના ઘણા કામદારો માર્યા ગયા હતા.