Maharajganj Car Accident: નેપાળથી ગોરખપુર જઈ રહેલી એક કાર રવિવારે મોડી રાત્રે એક અકસ્માત માંથી માંડ માંડ બચી ગઈ હતી. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, કાર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24 પરથી પસાર થઇ રહી હતી ત્યારે નિર્માણાધીન ફ્લાયઓવરની કિનારે હવામાં લટકી ગઇ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી. કારમાં સવાર તમામ લોકો સહીસલામત બહાર નીકળી ગયા હતા.
નિર્માણધીન ફ્લાયઓવર પર કાર ચઢી ગઇ
હકીકતમાં, કાર ચાલકે ગૂગલ મેપ્સ પરથી રસ્તો જોયો હતો અને મેપ્સમાં ઘટના સ્થળ પર ફ્લાયઓવરના કોઈ સંકેત આપવામાં આવ્યા ન હતા. ભારત અને નેપાળને ગોરખપુર-સોનૌલી રોડ સાથે જોડતા આ હાઇવે પર હાલ ભૈયા, ફરેન્દા પાસે ફ્લાયઓવર નિર્માણ સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના રાતે લગભગ 1 વાગે આસપાસ બની હતી, જ્યારે સોનૌલીથી ગોરખપુર જઈ રહેલી એક કાર અંધારામાં અધૂરા ફ્લાયઓવર પર પહોંચી ગઇ હતી. ફ્લાયઓવર અચાનક તૂટી પડતાં ડ્રાઇવરે સમયસર બ્રેક લગાવી દીધી હતી, જેના કારણે કાર નીચે પડતા બચી ગઇ હતી. જો કે, કાર નિર્માણાધીન ફ્લાયઓવરની બાજુમાંથી લટકી રહી હતી.
રિપોર્ટ અનુસાર, બુમાબુમ સાંભળી આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા અને જોયું તો ફ્લાયઓવરના કિનારે ગાડી હવામાં લટકી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કારમાં સવાર લોકો સુરક્ષિત રહ્યા અને ઘણી મહેનત બાદ કાર માંથી બહાર નીકળવામાં સફળ રહ્યા.
કારમાં સવાર લોકો પોલીસને જાણ કર્યા વગર ભાગી ગયા હતા
થોડા સમય બાદ જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કાર ખાલી મળી હતી. સવાર સુધીમાં ફ્લાયઓવર માટે જવાબદાર કન્સ્ટ્રક્શન એજન્સીએ વાહનને હટાવવા માટે ક્રેનની વ્યવસ્થા કરી હતી અને તેમાં સવાર લોકો અધિકારીઓને જાણ કર્યા વિના ભાગી ગયા હતા.
આ ઘટના વિશે જ્યારે ફરેન્દા એસએચઓ પ્રશાંત પાઠકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં, કાર અને તેના સવાર લોકો પહેલાથી જ નીકળી ગયા હતા. અમે પહોંચ્યા તે પહેલાં તેઓએ ક્રેનની મદદથી કારને દૂર કરી હતી. ”
આ ઘટનાએ સવાલ ઉભા કર્યા છે કે, શું આ અકસ્માત બાંધકામ એજન્સીની બેદરકારી અથવા ગેરમાર્ગે દોરતા નેવિગેશનને કારણે થયો હતો. જો કે, ગૂગલ મેપ્સ પર નજર કરીએ તો જાણવા મળે છે કે રૂટ ડાયવર્ઝન સ્પષ્ટ પણે દર્શાવવામાં આવ્યું છે. હકીકતમાં, ગૂગલ મેપ્સ સાઇટ પર ફ્લાયઓવરની હાજરીનો સંકેત પણ આપતું નથી, જેના કારણે નેવિગેશન એપ્લિકેશનને શા માટે દોષી ઠેરવવામાં આવી રહી છે તે અંગે શંકા ઉભી થાય છે.