રાજસ્થાનના કોટપુતલી-બહાદુરગઢ જિલ્લાના વિરાટનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કહેવાય છે કે વિરાટનગર વિસ્તારમાં માતાના અંતિમ સંસ્કાર દરમિયાન સ્મશાનમાં બે ભાઈઓ ચાંદીની બંગડી માટે લડ્યા હતા. આ ઝઘડો એટલો વધી ગયો કે એક પુત્ર ચાંદીની બંગડી લેવા માટે અંતિમ સંસ્કાર પહેલા તેની માતાની ચિતા પર ચઢી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વિરાટનગરના લીલો કા બાસ કી ઢાણીની છે. ગામમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. તે સમયે બંને પુત્રો વચ્ચે મિલકતને લઈને વિવાદ શરૂ થયો. જ્યારે એક પુત્ર સ્મશાનમાં ચિતા પર બેઠો ત્યારે વિવાદે શરમજનક વળાંક લીધો. આ વીડિયોને સોશિયલ મીડિયા હેન્ડ્લ એક્સ પર @1K_Nazar નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્સનમાં લખવામાં આવ્યું છે,”ચાંદીના ચમત્કાર પર ચિત્કાર છે! માનવતાને શરમાવે તેવું કૃત્ય? વિરાટનગરના લીલો કા બાસમાં વૃદ્ધ મહિલાના ચાંદી પર ભયંકર કળિયુગ?”.
તેણે અંતિમ સંસ્કાર માટે આવેલા લોકો સમક્ષ શરત મૂકી કે જ્યાં સુધી તેને તેની માતાની ચાંદીની બંગડીઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી તે અંતિમ સંસ્કાર કરવા દેશે નહીં. આ પછી સ્થાનિક લોકો અને સંબંધીઓએ લાંબા સમય સુધી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પુત્રની જીદ સામે કોઈ કંઈ કરી શક્યું નહીં. આ નાટક લાંબા સમય સુધી ચાલુ રહ્યું. આનાથી ગામમાં અત્યંત અસ્વસ્થતાભરી પરિસ્થિતિ સર્જાઈ.
આ પણ વાંચો: ‘મેં મધ્યસ્થતા નહીં માત્ર મદદ કરી…’, ભારત-પાકિસ્તાન સીઝફાયર વાળા નિવેદનથી ટ્રમ્પની પલટી
વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર ત્યાં સુધી રોકી દેવામાં આવ્યા જ્યાં સુધી ઝઘડો શાંત ન થયો. બાદમાં લોકોએ કોઈક રીતે વિવાદનું સમાધાન કરવામાં સફળતા મેળવી અને વૃદ્ધ મહિલાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બદલાતા સમયમાં જ્યારે માનવતાને બચાવવાની જરૂર છે, ત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાએ સંબંધોની ગરિમાને ઠેસ પહોંચાડી છે. ગામના લોકો આ ઘટના વિશે ઘણી રીતે વાત કરી રહ્યા છે.