અમેરિકાથી જાપાન જઈ રહેલા એક પેસેન્જર પ્લેનમાં ગુરુવારે મોટી દુર્ઘટના ટળી હતી. સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી ઉડાન ભરતા જ યુનાઇટેડ એરલાઇન્સના વિમાનનું એક વ્હીલ અલગ થઈને નીચે પડી ગયું હતું. વિમાનમાં 235 મુસાફરો અને 14 ક્રૂ સભ્યો હતા. આ વિમાન જાપાનના ઓસાકા જવા રવાના થયું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે વિમાનના 6 ટાયરમાંથી એક ટાયર ઉડાન ભરતાની સાથે જ તૂટી પડ્યું હતું. વિમાનથી અલગ થયેલું ટાયર સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગમાં એક કાર પર પડ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ આ કારણે કારના પાછળના ભાગને નુકસાન થયું હતું.
વિમાન ટેકઓફ થતા જ ટાયર નીચે પડી ગયું
યુનાઇટેડ એરલાઇન્સનું એક વિમાન સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જાપાનના ઓસાકા જઇ રહ્યું હતું. આ દરમિયાન ટેક ઓફ થતા જ એક ટાયર નીચે પડી ગયું હતું. એરલાઇને બોઇંગ 777-200એ વિમાનનો ઉલ્લેખ કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ ફ્લાઇટ 35 એ ગુરુવારે સેન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભર્યા બાદ એક ટાયર નીકળી ગયું હતું. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ યુનાઇટેડે ગુરુવારે સાંજે ગ્રાહકોને ઓસાકા લઈ જવા માટે તાત્કાલિક નવા વિમાનની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો – નોકરી માટે ગયા હતા મોસ્કો, યુક્રેન સામે જંગ કરવા રશિયાએ મેદાનમાં ઉતાર્યા, ભારતીય યુવાનોની ડરામણી કહાની
વિમાનમાં 235 મુસાફરો અને 14 ક્રૂ સભ્યો હતા
યુનાઇટેડ એરલાઇન્સના જણાવ્યા અનુસાર વિમાનમાં 235 મુસાફરો, 10 ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અને ચાર પાલયટ હતા. યુનાઇટેડ એરલાઇન્સે આ ઘટના અંગે જણાવ્યું હતું કે અમે આ સ્થિતિને મેનેજ કરવામાં કુશળતા બતાવવા બદલ અમારા પાયલટ્સ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સના આભારી છીએ. યુનાઇટેડ એરલાઇન્સના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે જમીન પરની અમારી ટીમોના પણ આભારી છીએ જેમણે ઉતરાણ પછી તરત જ વિમાન લેવા માટે ટગ સાથે રાહ જોઈ રહ્યા હતા અને એરપોર્ટ પર અમારી ટીમો કે જેમણે આગમન સમયે ગ્રાહકોને મદદ કરી હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ ઘટનાની તપાસ કરશે. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. થોડા સમય પહેલા એક વિમાન ઉડાન ભરતાની સાથે જ તેની બારી નીકળી ગઇ હતી.