Terror attack in Pahalgam : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓના મોત થયાની આશંકા છે અને 10 અન્ય ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી ઓછામાં ઓછા બેની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ આ વિસ્તાર પર મોર્ચો સંભાળી લીધો છે અને આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પહેલગામ પ્રવાસીઓમાં સૌથી લોકપ્રિય છે
પહેલગામ પ્રવાસીઓમાં સૌથી લોકપ્રિય છે અને ઉનાળાની ઋતુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામના રસ્તાથી દૂરના ઘાસના મેદાન બૈસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. બૈસરન, જ્યાં ફક્ત પગપાળા જ પહોંચી શકાય છે, તે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને પ્રવાસન મોસમ દરમિયાન અહીં ભીડ રહે છે.
જો કે હજુ સુધી સત્તાવાર આંકડા સામે આવ્યા નથી કે કેટલા પ્રવાસીઓને ઇજા પહોંચી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ ફોન પર એક મહિલાએ કહ્યું કે મારા પતિને માથામાં ગોળી વાગી છે. જોકે મહિલાએ પીટીઆઈ સમક્ષ પોતાની ઓળખ જાહેર કરી ન હતી. સુરક્ષા દળોએ સમગ્ર પર્વતીય વિસ્તારને ઘેરી લીધો છે.
સેનાનું સર્ચ ઓપરેશન
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમારા અહેવાલો કહે છે કે બે-ત્રણ આતંકવાદીઓએ બૈસરન ખાતે પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
અમારી પાસેના પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે હુમલામાં આઠ પ્રવાસીઓ ઘાયલ થયા છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઘટના પછી તરત જ, પોલીસની એક ટીમ, સેના અને અર્ધલશ્કરી દળો સાથે, પ્રવાસીઓને બહાર કાઢવા અને હુમલા પાછળના આતંકવાદીઓને શોધવા માટે શોધખોળ અભિયાન શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
આ વર્ષે પ્રવાસીઓ પર આ પહેલો આતંકવાદી હુમલો છે. આતંકવાદીઓએ છેલ્લે ગયા વર્ષે મે મહિનામાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જ્યારે બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા. તે ઘટના પણ પહેલગામમાં બની હતી.
મહેબૂબા મુફ્તીએ આ હુમલાની નિંદા કરી હતી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ હુમલાની નિંદા કરી હતી. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની હું કડક નિંદા કરું છું.
આવી હિંસા અસ્વીકાર્ય છે અને તેની નિંદા થવી જ જોઇએ. ઐતિહાસિક રુપથી કાશ્મીરે પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે, જેના કારણે આ દુર્લભ ઘટના અત્યંત ચિંતાજનક બની છે.
તેમણે કહ્યું કે સંભવિત સુરક્ષા ક્ષતિઓની તપાસ માટે સંપૂર્ણ તપાસની જરૂર છે. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ સર્વોપરી છે અને ભવિષ્યમાં હુમલાઓને રોકવા માટે પગલાં લેવા જોઈએ. અમારી સંવેદનો પીડિતો અને તેમના પરિવારો સાથે છે.