JK Terror Attack: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો થયો છે અને આતંકીઓએ ફરી એકવાર પરપ્રાંતિય મજૂરોને નિશાનો બનાવ્યા છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને સુરંગમાં કામ કરી રહેલા મજૂરોનો જીવ લીધો હતો. એક સ્થાનિક પોલીસ અધિકારીએ બંને કામદારોના મોતની પુષ્ટિ કરી છે. સૂત્રો એ પણ કહી રહ્યા છે કે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા પણ વધી શકે છે.
આતંકવાદી હુમલાના સમાચાર મળતાની સાથે જ સુરક્ષા દળો હાઇએલર્ટ પર છે અને ઘટના સ્થળની આસપાસના સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ સાંજે ગોળીબાર કર્યો હતો, જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. મૃતક મજૂરો ટનલ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરતા હતા. આ દરમિયાન આતંકીઓએ તેમને ગોળીઓથી નિશાન બનાવ્યા હતા.
થોડા દિવસ પહેલા બિહારના એક વ્યક્તિની હત્યા કરી
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ શોપિયાંમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી. ગત શુક્રવારે પોલીસે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બિહારથી કામ કરવા આવેલા એક મજૂરનો મૃતદેહ મળ્યો હતો. તેનું નામ અશોક ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.
સીએમ ઓમર અબ્દુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી
આ આતંકી હુમલાને લઈને સીએમ ઓમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સીએમસોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બહારના મજૂરો પર કાયરતાપૂર્ણ અને ઘાતકી હુમલાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ લોકો વિસ્તારમાં એક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 2-3 લોકો ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.