Surat Robbery : સુરતમાં એક કરોડથી વધુની લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં કથિત રીતે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાતા એક વ્યક્તિએ મંગળવારે સુરતમાં હીરાની મશીનરી બનાવતી પેઢીની વાન રોકી, ચાર કર્મચારીઓને બંદૂકની અણીએ ધમકાવીને રૂ. 1 કરોડની રોકડ અને વાહન લઈને ભાગી ગયા, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે વરિયાવ વિસ્તારમાં ત્યજી દેવાયેલી વાન મળી આવી હતી.
સુરત એક કરોડની લૂંટ – પોલીસે શું કહ્યું?
કેસ અંગે વધુ વિગતો આપતાં, કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે, જેણે 1 કરોડ રૂપિયાની રોકડ ભરેલી વાનમાં મુસાફરી કરી રહેલા ચાર લોકો (ફર્મના કર્મચારીઓ)નું અપહરણ કર્યું હતું. અમે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા છીએ. આરોપીઓ કથિત રીતે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે વેનમાં પ્રવેશ્યા હતા. શક્ય છે કે, કોઈ અંદરના વ્યક્તિએ આરોપીને માહિતી આપી હોય અને અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતુ કે, “અમે વાનમાં મુસાફરી કરી રહેલા ચારેય કર્મચારીઓના નિવેદન લીધા છે. સહજાનંદ પેઢીના કર્મચારીઓએ કતારગામની તિજોરીમાંથી રોકડ ઉપાડી હતી અને તેને મહિધરપુરામાં એક ખાનગી કંપનીની બીજી સેફમાં જમા કરાવવા જઈ રહ્યા હતા.”
સુરતમાં એક કરોડની લૂંટ કેવી રીતે થઈ?
સુરતમાં વેડ રોડ પર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને સચિન વિસ્તારમાં ફેક્ટરી ધરાવતી ડાયમંડ મશીનરી બનાવતી કંપની સહજાનંદ ટેક્નોલોજિસમાં વહીવટી વિભાગમાં કામ કરતા કિશોર દુધાતે મંગળવારે રાત્રે કતારગામ પોલીસ સ્ટેશનમાં રૂ. 1.04 કરોડની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
કિશોર દુધાતે તેની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, કંપનીના કર્મચારીઓ – નારાયણ દુધાત, સોપન પાટીલ, પ્રેમજી પ્રજાપતિ અને વાન ડ્રાઈવર મનહર પટેલ – મંગળવારે બપોરે કતારગામ વિસ્તારમાં કંપનીના લોકરમાંથી રોકડ લેવા કતારગામ સેફ વોલ્ટમાં ગયા હતા. રોકડ ભેગી કર્યા બાદ તેઓ મહિધરપુરામાં નિધિ સેફ નામની અન્ય ખાનગી સેફમાં રોકડ જમા કરાવવા જતા હતા.
આ પણ વાંચો – સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસ, ક્રિકેટર અભિષેક શર્માને ગુજરાત પોલીસે સમન્સ પાઠવ્યું
દુધાતે કહ્યું કે, વાન રોક્યા બાદ આરોપીએ નારાયણને આવકવેરા અધિકારીનું ઓળખ કાર્ડ બતાવ્યું. તે વાનમાં ચડી ગયો, પછી પટેલને વાન ચલાવવાનું કહ્યું અને ચારેય સ્ટાફના મોબાઈલ ફોન લઈ લીધા. તેણે કથિત રીતે તેમને એમ પણ કહ્યું કે, તેમની એક ટીમ કંપનીના વહીવટી કાર્યાલય પર દરોડા પાડી રહી છે. બાદમાં તેમણે તમામને બંદૂકની અણી પર વાનમાંથી નીચે ઉતરવાનું કહ્યું અને વાહન લઈને ભાગી ગયો. આરોપી ભાગી ગયા પછી, કિશોરે નારાયણ દ્વારા શેર કરેલી વિગતોના આધારે પોલીસનો સંપર્ક કર્યો.