NEET UG Supreme Court Decision: નીટ યુજી 2024 વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીટ-યુજી 2024 પરીક્ષા રદ કરવા અને ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નીટ-યુજી 2024 ની પરીક્ષાના પરિણામમાં ગરબડી કરવામાં આવી છે કે તેમાં વ્યવસ્થાગત ખામી છે તેવું તારણ કાઢવા માટે પુરતી સાબિતીનો અભાવ છે.
કોર્ટે કહ્યું કે રેકોર્ડ પરના ડેટા નીટ-યુજી 2024 પ્રશ્નપત્રના વ્યવસ્થિત રીતે લીક થવાનો સંકેત આપતા નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તેના દ્વારા સ્થાપિત સિદ્ધાંતોના આધારે સમગ્ર નીટ-યુજી પરીક્ષા રદ કરવાનો આદેશ વાજબી ગણાશે નહીં.
પેપર લીકનો કોઈ રેકોર્ડ નથી
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પ્રશ્નપત્ર વ્યવસ્થિત રીતે લીક થવા અને અન્ય ગેરરીતિઓ દર્શાવતી કોઈ સામગ્રી રેકોર્ડ પર નથી. ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ એડવોકેટ નરેન્દ્ર હૂડા, સંજય હેગડે અને મેથ્યુસ નેદુમ્પારા સહિત વિવિધ વકીલો પાસેથી લગભગ ચાર દિવસ સુધી દલીલો સાંભળી હતી.
વિગતવાર ચુકાદો પછીથી જાહેર કરવામાં આવશે
ખંડપીઠે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને ચુકાદાનો પ્રભાવી હિસ્સો લખ્યો હતો અને કહ્યું હતું કે વિગતવાર ચુકાદો પછીથી જાહેર કરવામાં આવશે. સીજીઆઈએ કહ્યું કે એવું તારણ કાઢવા માટે કોઈ સામગ્રી નથી કે નીટ-યુજી 2024 પરીક્ષાના પરિણામોમાં ગરબડી કરવામાં આવી છે અથવા તેનું વ્યવસ્થિત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – બજેટ 2024 વિશે પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું? યુવાઓને મળશે તક, આર્થિક વિકાસને મળશે નવી ગતિ
એનટીએ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 5 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક સહિત મોટા પાયે કથિત ગેરરીતિઓને લઈને નિશાના પર છે. એનટીએ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (નીટ-યુજી)નું આયોજન કરે છે. 5 મેના રોજ, 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર 23.33 લાખ વિદ્યાર્થીઓએ નીટ-યુજી 2024 ની પરીક્ષા આપી હતી. જેમાં 14 વિદેશી શહેરોનો સમાવેશ થાય છે.