Sunita Williams Stuck in Space Station : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી મુશ્કેલ થતી જઇ રહી છે. તે 14 જૂન 2024ના રોજ પરત ફરવાના હતા, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તે છેલ્લા ઘણા દિવસોથી અંતરિક્ષમાં અટકી રહ્યા છે. નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં આ ખરાબીને કારણે સુનીતા વિલિયમ્સ અને તેમની સાથે આવેલા અન્ય એક અવકાશયાત્રી બુશ વિલ્મોર નાસાના આ મિશન પર અટવાઇ ગયા છે.
બુશ અને સુનિતા વિલિયમ્સની વાપસી 9થી વધુ વખત મુલતવી રાખવામાં આવી છે. બોઈંગ કેપ્સૂલમાં ખામીના કારણે બંને અવકાશયાત્રીઓની વાપસી મુશ્કેલ બની રહી છે. જણાવી દઈએ કે નાસાનું આ એક સપ્તાહનું મિશન જૂનના મધ્યમાં સમાપ્ત થવાનું હતું, પરંતુ હવે 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે અને બંને વૈજ્ઞાનિકો હજી સુધી પૃથ્વી પર પાછા ફર્યા નથી.
કોણ છે બુશ વિલમોર?
બુશ વિલમોર યુએસ નેવીના નિવૃત્ત કેપ્ટન છે જે 2000માં નાસાની અવકાશયાત્રી ટીમમાં જોડાયા હતા. તેમણે 1990ના દાયકા પહેલા અમેરિકન ગલ્ફ વોરમાં 21 લડાકુ વિમાનો સહિત એરક્રાફ્ટ કેરિયર ડેક પરથી લડાકુ વિમાનો ઉડાડતા ચાર ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ પુરા કર્યા છે. તેમણે નેવી માટે ટેસ્ટ પાઇલટ અને ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ સેવા આપી છે.
બોઇંગ સ્ટારલાઇનરમાં શું ખામી છે
થ્રસ્ટર ફેલ્યોર અને હિલિયમ લીકના કારણે સ્ટારલાઇનરમાં ખરાબી આવી છે અને ફરી એકવાર નાસા અને બોઇંગના બંને અવકાશયાત્રીઓની વાપસીને સ્થગિત કરવી પડી છે. સતત ચાલી રહેલી તપાસ અને ટેસ્ટિંગ છતાં હજુ સુધી સ્ટારલાઇનરની વાપસી માટે કોઇ તારીખ આપવામાં આવી નથી.
વિલમોર અને વિલિયમ્સને પાછા લાવવાનું નાસાનું પ્રથમ લક્ષ્ય
નાસાનું પહેલું લક્ષ્ય વિલમોર અને સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનર પરથી પાછા લાવવાનું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ સ્વીકાર્યું છે કે એજન્સી સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ્સને બેકઅપ વિકલ્પ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે. નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે મિશન મેનેજર્સ આ સમયે રિટર્ન ડેટ જાહેર કરવા તૈયાર નથી. સ્ટીચે એપીને જણાવ્યું હતું કે જ્યારે અમે તૈયાર થઈશું ત્યારે અમે ઘરે આવીશું. નાસા પાસે હંમેશા ઇમરજન્સી વિકલ્પો હોય છે.
આ પણ વાંચો – એઆઈ નું વર્તમાન અને ભવિષ્ય, શા માટે કેટલીક ગંભીર પર્યાવરણીય ચિંતાઓ વધારી રહ્યું?
નાસાએ સુરક્ષાની અવગણના કરી!
એન્જીનિયરો હાલમાં એક સ્પેયર થ્રસ્ટરનું વિશ્લેષણ કરી રહ્યા છે જેથી તેઓ થ્રસ્ટર ફેલ થવાનું અસલી કારણ સમજી શકે. તેઓ માને છે કે ડિગ્રેડેડ સીલ હિલિયમ લીક અને થ્રસ્ટરની ખામી માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ વધુ તપાસની જરૂર છે.
આ મહિનાની શરૂઆતમાં એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે નાસા અને બોઇંગ બંનેને 5 જૂનના લોન્ચિંગ પહેલા સ્ટારલાઇનમાં હિલિયમ લીક થવાની જાણ હતી. આ ખામીથી વાકેફ હોવા છતાં નાસાએ તેને ગણકાર્યું નહીં અને નિર્ણય કર્યો કે તેનાથી સલામતીનું કોઈ જોખમ નથી અને લોન્ચ ચાલુ રાખ્યું હતું.
25 કલાકની સફર પછી જ્યારે સ્ટારલાઇનર ઓર્બિટમાં પહોંચ્યું ત્યારે તેમા ચાર વધારાના હિલિયમ લીક થયા, જેના કારણે તેનું એક થ્રસ્ટર નકામું બની ગયું હતું.
આ અવગણવામાં આવેલી ખામીને કારણે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરની વાપસીમાં વિલંબ થયો છે. તે 13 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)થી પરત ફરવાના હતા, પરંતુ બાદમાં 26 જૂનના રોજ તેમનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ બંનેની વાપસી મુલતવી રાખવામાં આવી છે. બોઇંગના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ માટે આ એક મોટી નિષ્ફળતા છે.
સ્ટારલાઇનરની અગાઉની પરીક્ષણ ફ્લાઇટ્સમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં સોફ્ટવેરની ખામીને કારણે 2019 માં સ્પેસ સ્ટેશન પર નિષ્ફળ મિશન સહિતની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા દૂર છે?
નોંધનીય છે કે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ યાનમાં પૃથ્વીથી 360 કિલોમીટર દૂર ગયા છે. તે હજુ સુધી પાછા ફર્યા નથી. આ પહેલા ખબર આવી હતી કે તે અંતરિક્ષમાં પાણી વગર છોડ ઉગાડવાની ટેકનિક પર કામ કરી રહ્યા છે.
ઇસરોના વડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો
સુનીતા વિલિયમ્સના સતત વિલંબ વચ્ચે ભારતીય અંતરિક્ષ એજન્સીના પ્રમુખ એસ.સોમનાથનું નિવેદન પણ આવ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે સ્પેસ સ્ટેશન લોકોને લાંબા સમય સુધી રહેવા માટે સલામત સ્થળ છે. સુનિતા વિલિયમ્સ મહિનાઓ સુધી અવકાશમાં રહી શકે છે. એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ઈસરો ચીફે કહ્યું હતું કે આ માત્ર સુનીતા વિલિયમ્સ કે અન્ય કોઈ અવકાશયાત્રીની વાત નથી. આનું કારણ એ છે કે તેમને કોઈને કોઈ દિવસ પાછા આવવું જ પડશે.