Sunita Williams Birthday Celebration In Space: સુનીતા વિલિયમ્સના ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી છે. ભારતીય મૂળના અવકાશયાત્રીઓ કરોડો ભારતીયો માટે પ્રેરણારૂપ બન્યા છે. તે છેલ્લા કેટલાક દિવસોથી અવકાશમાં ફસાયેલા છે. તાજેતરમાં 19 સપ્ટેમ્બરે સુનીતા વિલિયમ્સે પોતાનો 59મો જન્મદિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ ઉજવ્યો હતો.
મોટાભાગના લોકો પોતાનો જન્મદિવસ કેક કટિંગ કરી ઉજવે છે, પરંતુ સુનીતા વિલિયમ્સે પોતાનો 59મો જન્મદિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ટ્રાન્ક્વિલિટી મોડ્યુલમાં હાજર વેસ્ટ અને હાઇજીન કમ્પાર્ટમેન્ટ ફિલ્ટર્સ બદલીને ઉજવ્યો હતો. સામાન્ય ભાષામાં તેને સ્પેસ સ્ટેશનના બાથરૂમ તરીકે ઓળખવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર 19 સપ્ટેમ્બરે વિલિયમ્સે પોતાનો ખાસ દિવસ કોઇ મહત્વપૂર્ણ કામમાં વિતાવ્યો હતો. તેમણે નાસાના સાથી અવકાશયાત્રી ડોન પેટિટ સાથે મળીને સ્ટેશનની લાઇફ સપોર્ટ સિસ્ટમને જાળવી રાખવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઉપરાંત સુનીતા વિલિયમ્સે વિજ્ઞાનનો અભ્યાસ પણ કર્યો હતો. રિપેરિંગ કામગીરી ઉપરાંત વિલિયમ્સે હ્યુસ્ટનમાં મિશન કન્ટ્રોલ સેન્ટર ખાતે અવકાશયાત્રીઓ બેરી વિલ્મોર અને ફ્રેન્ક રુબિયો સાથે ફ્લાઇટ ડિરેક્ટર્સ સાથેની કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હાલમાં બોઇંગના સ્ટારલાઇનર સેટેલાઇટમાં તકનીકી સમસ્યાઓના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પરત આવે તેવી સંભાવના છે.
સુનીતા વિલિયમ્સ કોણ છે?
સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965ના રોજ ઓહિયોના યુક્લિડમાં થયો હતો. તેમના પિતા દીપક પંડયા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ન્યુરોએનાટોમિસ્ટ હતા, જ્યારે માતા ઉર્સુલાઇન બોની પંડ્યા સ્લોવેનિયન-અમેરિકન મૂળના હતા. સુનીતા વિલિયમ્સે1983માં નીધમ હાઇ સ્કૂલમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.
આ પણ વાંચો | અવકાશ માંથી સુનીતા વિલિયમ્સની વાપસી સામે 3 મોટા જોખમ, Ex સ્પેસ કમાન્ડરે કર્યો ખુલાસો
સુનીતા વિલિયમ્સે અંતરિક્ષ યાત્રા ક્યારે શરૂ કરી?
હવે સુનીતા વિલિયમ્સની અંતરિક્ષ પ્રવાસની વાત કરીએ તો તે 9 ડિસેમ્બર 2006ના રોજ પહેલીવાર ગયા હતા. અને 22 જૂન 2007ના રોજ પરત આવ્યા હતા. સુનીતા વિલિયમ્સ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. આ મિશન દરમિયાન તેમણે ચાર વખત સ્પેસવોક કરીને ઇતિહાસ રચ્યો હતો. તેઓએ અવકાશયાનની બહાર કુલ 29 કલાક અને 17 મિનિટ પસાર કરી હતી. બીજું મિશન 14 જુલાઈ, 2012ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 18 નવેમ્બર, 2012 સુધી ચાલ્યું હતું.