Skymet Monsoon Forecast 2024 For India : ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવા સમાચાર આવ્યા છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના એક રિપોર્ટ અનુસાર 2024માં ચોમાસામાં 102 ટકા (5 ટકાની વધઘટની શક્યતા) વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસામાં સારો વરસાદ પડવાથી ખેતી – ખેડૂત સહિત સમગ્ર દેશના અર્થતંત્રને ફાયદો થાય છે. દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદન વધવાથી ખાદ્ય ફુગાવો ઘટે છે.
દેશમાં ચોમાસું સામાન્ય રહેશે, 102 ટકા વરસાદ પડશે – સ્કાયમેટ
ખાનગી વેધર એજન્સી સ્કાયમેટના રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે જૂન અને સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે. દેશમાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશ (લોંગ પિરિયડ એવરેજ/એલપીએ)ના 102 મીમી વરસાદ પડવાની ધારણા છે.
જૂન થી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝન દરમિયાન દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ પડશે. તો ઉત્તર – પૂર્વ ભારત અને પૂર્વના વિસ્તારમાં સામાન્ય થી ઓછો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?
સ્કાયમેટના મોનસુન ફોરકાસ્ટ 2024 રિપોર્ટ અનુસાર ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ પડશે. તમને જણાવી દઇયે કે, ગુજરાત ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલું રાજ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય વરસાદ આધારિત વિસ્તારોમાં પણ પુરતો વરસાદ પડવાની અપેક્ષા છે.

જો કે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પૂર્વ ભારતના રાજ્યમાં સામાન્ય થી ઓછો વરસાદ પડવાની ચિંતા છે. પૂર્વોત્તર ભારતમાં સીઝનના પ્રથમ છ મહિનામાં સામાન્ય થી ઓછો વરસાદ પડી શકે છે.
સ્કાયમેટના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ચોમાસા ની સીઝનમાં કેરળ, કોંકણ, કર્ણાટક અને ગોવામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. દેશના મુખ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.
આ પણ વાંચો | હું અમદાવાદમાં રહું છે, મતદાન માટે ગામડે કે અન્ય રાજ્યમાં જવા પેઇડ રજા મળી શકે? જાણો શું છે નિયમ
અલ નીનો હવે લા નીનો માં પલટાઇ રહ્યું છે – સ્કાયમેટ
સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અલ નીનો ઝડપથી લા નીનો માં પલટાઇ રહ્યું છે. લા નીનો અલ નીનોથી તદ્દન વિપરિત પરિસ્થિતિ છે. લા નીનોની સ્થિતિમાં સામાન્ય કે ભરપૂર વરસાદ પડે છે.