Sanjay Gaikwad Controversial Statememt: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની નેતૃત્વવાળી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સંજય ગાયકવાડે કહ્યું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓની અનામત ખતમ કરવા માંગે છે. જે પણ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
શિંદે જૂથના ધારાસભ્ય ગાયકવાડે કહ્યું હતું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓ અને અન્યો માટે અનામત ખતમ કરવા માગે છે અને તેથી જ તેઓ અનામત ખતમ કરવાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર અને દેશમાં અનામતની માંગ ઉઠી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં અનામત ખતમ કરવા માટે નિવેદન આપ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે તેમણે ખોટી વાત ફેલાવી હતી. આજે તેઓ દેશમાંથી અનામત ખતમ કરવાની ભાષા બોલી રહ્યા છે અને કોંગ્રેસનો અસલી ચહેરો બતાવી દીધો છે. મારો પડકાર છે કે જે પણ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને મારી તરફથી 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
શિંદે જૂથના ધારાસભ્યના વિવાદો સાથે જૂના સંબંધો છે
બુલઢાણાથી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો વિવાદો સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે 1987માં વાઘનો શિકાર કર્યો હતો અને હવે તે પોતાના ગળામાં તે પ્રાણીનો દાંત પહેરેલો છે. આ પછી વન વિભાગે તેમની સામે ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં તે દાંત પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – કેજરીવાલ બે દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, દિલ્હીના આગામી મુખ્યમંત્રી માટે આ નામો ચર્ચામાં
આ ઉપરાંત માર્ચ મહિનામાં શિવસેનાના ધારાસભ્ય વધુ એક વિવાદમાં ફસાયા હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ એક પોલીસ કર્મી પર લાકડી વડે હુમલો કરી રહ્યા હતા. ગાયકવાડે આ વ્યક્તિ પર હુમલો કરવાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે તેને તો લોકાની પીટાઇ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ગયા મહિને એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં એક પોલીસકર્મી શિંદે ગ્રુપના ધારાસભ્યની ગાડી ધોઇ રહ્યો હતો. લોકોએ તેને ખૂબ જ ખરાબ ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ અનામત અંગે શું કહ્યું હતું
અમેરિકાના પ્રવાસ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે કોંગ્રેસ અનામતને ખતમ કરવા અંગે વિચાર કરશે. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે જે દેશમાં 90 ટકા લોકોને તક મળતી નથી ત્યાં રહેવામાં તેમને કોઈ રસ નથી. તેમણે કહ્યું હતું કે ભારતના દલિતો, ઓબીસી, આદિવાસીઓને તેમના અધિકારો મળી રહ્યા નથી.