Pro-Monarchy Protesters Nepal: શુક્રવારે પાડોશી દેશ નેપાળમાં પોલીસ અને રાજાશાહી સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થતા સ્થિતિ વણસી ગઇ હતી. આ અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે રાજધાનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણ કાઠમંડુ એરપોર્ટ નજીક થઈ હતી. વિરોધીઓ નેપાળમાં રાજાશાહી અને હિન્દુ રાજ્યની પુન:સ્થાપનાની માંગ કરી રહ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કાઠમંડુના તિનકુને, સિનામંગલ અને કોટેશ્વર વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડવી પડી હતી. પ્રદર્શનકારીઓએ અનેક મકાનો, અન્ય ઇમારતો અને વાહનોને આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનકારીઓએ એક ટીવી સ્ટેશન તેમજ પાર્ટી ઓફિસ પર હુમલો કર્યો હતો. આ પ્રદર્શનમાં રાજાશાહીના સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી)ના કાર્યકરો અને અન્ય ઘણી સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાઠમાંડૂમાં સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પ્રદર્શનકારીઓએ સુરક્ષા ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરીને ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
‘રાજા આવો, દેશ બચાવો’ના નારા લગાવ્યા
આ પહેલા નેપાળનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા અને પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના ચિત્રો સાથે હજારો સમર્થકો કાઠમંડુના તિનકુને વિસ્તારમાં એકઠા થયા હતા અને “રાજા આવો, દેશ બચાવો”, “ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ” અને “અમે રાજાશાહી પાછી ઇચ્છીએ છીએ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ નેપાળમાં રાજાશાહીની પુન:સ્થાપનાની માંગ કરી હતી. કાઠમાંડૂમાં સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી છે.
લોકોને રાજાનું શાસન શા માટે જોઈએ છે?
થોડા દિવસો પહેલા નેપાળમાં રાજાશાહીની પુન:સ્થાપનાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સવાલ એ છે કે આ પાડોશી દેશમાં લોકો રાજાનું શાસન શા માટે ઇચ્છે છે?
આ પણ વાંચો – મ્યાનમારમાં ભૂકંપથી 25 લોકોના મોત, થાઇલેન્ડમાં પણ તબાહી, ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર જાહેર કર્યો
નેપાળમાં વિશ્વની અંતિમ હિન્દુ રાજાશાહી હતી. નેપાળ 240 વર્ષ સુધી હિન્દુ રાષ્ટ્ર રહ્યું હતું પરંતુ 2008માં તેને લોકશાહી દેશ જાહેર કરવામાં આવ્યો હતો. 2006માં જન આંદોલન બાદ નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો હતો. રાજાશાહીનો અંત આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 13 જુદી જુદી સરકારો બની છે. નેપાળમાં ઘણા લોકો માને છે કે લોકશાહીનું શાસન નિષ્ફળ ગયું છે અને ત્યાં ભ્રષ્ટાચાર, આર્થિક મુશ્કેલી અને રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે. આ કારણે લોકો રાજાશાહી પાછી ઇચ્છે છે.
ઘણા લોકો એવા છે જેમણે થોડા વર્ષો પહેલા રાજાશાહીનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેમને લાગે છે કે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે ફરી એકવાર દેશની કમાન સંભાળવી જોઈએ. હવે જોવાનું એ રહે છે કે શું નેપાળ ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનશે કે નહીં.