Pravasi Bharatiya Divas 2025 : દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર આ પ્રસંગે પ્રવાસી ભારતીયોના સન્માનમાં એક વિશાળ સંમેલનનું આયોજન કરે છે. ચાલુ વર્ષે 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં 8 થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન ભુવનેશ્વરમાં યોજાઈ રહ્યું છે. પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોના મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવાસી દિવસ પર તે ભારતીયોનું સન્માન કરવામાં આવે છે જેમણે પોત-પોતાના ક્ષેત્રમાં વિદેશમાં વિશેષ ઉપલબ્ધિઓ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
પ્રવાસી ભારતીય દિવસ 2025 થીમ
દર વર્ષે કોઇને કોઇ થીમ પર પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની થીમ – વિકસિત ભારત માટે પ્રવાસી ભારતીયોનું યોગદાન છે.
પ્રવાસી ભારતીય દિવસ ઇતિહાસ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને અહીં દેશને આઝાદ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીજીના ભારત આગમનની યાદમાં 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003થી કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2015માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને દર બે વર્ષે તેની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2003થી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ ભારતને વિદેશમાં રહેતા તેના વિશાળ સમુદાય સાથે જોડવાનો અને તેમના જ્ઞાન, કુશળતા અને કૌશલ્યને એક સમાન મંચ પર લાવવાનો છે.
ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે. વિદેશી ભારતીય સમુદાય એટલે કે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા 2.5 કરોડથી વધારે હોવાનો અંદાજ છે.
પીએમ મોદી 9 જાન્યુઆરીના રોજ સંમેલનનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી 9 જાન્યુઆરીના રોજ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું ઉદ્ઘાટન યાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરશે. જે પ્રવાસી ભારતીયો માટે એક વિશેષ પ્રવાસી ટ્રેન છે. આ ટ્રેન દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી રવાના થશે અને ત્રણ અઠવાડિયા સુધી ભારતમાં પર્યટન અને ધાર્મિક મહત્વ ધરાવતા અનેક સ્થળોની યાત્રા કરશે. પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું સંચાલન પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ કરવામાં આવશે.