PM Narendra Modi in Russia : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસ પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. આ વાતચીતમાં બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને જણાવ્યું હતું કે ઊર્જા ક્ષેત્રે ભારત-રશિયાના સહકારથી વિશ્વને પણ મદદ મળી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો; પહેલા કોવિડ 19 ને કારણે અને પછી ઘણા સંઘર્ષોને કારણે. તેમણે કહ્યું હતું કે જ્યારે દુનિયામાં ખાદ્યચીજો, ઇંધણ અને ખાતરની અછત હતી, અમે અમારા ખેડૂતોને સમસ્યાઓ આવવા દીધી ન હતી અને તેમાં રશિયા સાથેના સંબંધોએ ભૂમિકા ભજવી હતી, “તેમણે જણાવ્યું હતું.
યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શક્ય નથી – પીએમ મોદી
પીએમે કહ્યું કે અમે રશિયા સાથે અમારો સહકાર વધારવા માંગીએ છીએ જેથી અમારા ખેડૂતોનું કલ્યાણ થાય. ગઈ કાલે યોજાયેલી બેઠકમાં અમે યુક્રેન અંગે એકબીજાના વિચારો સાંભળ્યા હતા. યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શક્ય નથી. ભારત શાંતિ પુન:સ્થાપિત કરવા માટે તમામ સંભવિત રીતે સહકાર આપવા તૈયાર છે.
આ પણ વાંચો – શું ઝેલેન્સ્કીને મોદી-પુતિનની મિત્રતાની ખટકી રહી છે? મિસાઈલ હુમલા બાદ ભારત વિશે કહી મોટી વાત
પીએમ મોદીએ આગળ કહ્યું કે હું તમને અને વૈશ્વિક સમુદાયને ખાતરી આપું છું કે ભારત શાંતિના પક્ષમાં છે, ગઈકાલે તમારી વાત સાંભળ્યા પછી મને આશા છે. બોમ્બ, બંદૂકો અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થતી નથી. ભારત લગભગ 40 વર્ષથી આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે. હું બધા પ્રકારના આતંકવાદની નિંદા કરું છું.
રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. આ પછી પીએમ મોદીએ કહ્યું કે રશિયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. આ સન્માન ફક્ત મારું સન્માન નથી પણ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે સદીઓ જૂની ખાસ મિત્રતા અને આપસી વિશ્વાસનું સન્માન છે.