PM Narendra Modi Poland And Ukraine Visit : પીએમ નરેન્દ્ર મોદી 21 ઓગસ્ટથી પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસે જશે. 21 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીની એક દિવસીય પોલેન્ડ યાત્રા 1979માં મોરારજી દેસાઈની મુલાકાત બાદ 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. મોરાજી દેસાઈ પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પોલેન્ડની મુલાકાતે ગયા હતા.
આ પછી પીએમ મોદીની કિવ (યુક્રેન) ની પ્રસ્તાવિત યાત્રા તેમના રશિયા પ્રવાસના લગભગ એક મહિના પછી થઈ રહી છે. પીએમ મોદીની રશિયા યાત્રા પશ્ચિમી દેશોને પસંદ આવી ન હતી. રસપ્રદ વાત એ છે કે યુક્રેનનો દાવો છે કે તેણે કુર્સ્ક ક્ષેત્રમાં રશિયાના એક વ્યૂહાત્મક શહેર પર સંપૂર્ણપણે કબજો કરી લીધો છે. હવે દુનિયા પૂછી રહી છે કે શું પીએમ મોદી બંને વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકશે?
ભારત અને પોલેન્ડ વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો
ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ ભારત અને પોલેન્ડ વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને આર્થિક સંબંધો છે. સપ્ટેમ્બર 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મન આક્રમણ સામે પોલેન્ડના સંઘર્ષને ભારતીય રાજકીય નેતાગીરીએ જોરદાર ટેકો આપ્યો હતો. રાજદ્વારી સંબંધોની સ્થાપના 1954માં કરવામાં આવી હતી અને 1957માં વારસોમાં ભારતીય દૂતાવાસ ખોલવામાં આવ્યું હતું. સામ્યવાદી યુગ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો ગાઢ અને સૌહાર્દપૂર્ણ હતા. 1955માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની મુલાકાત સહિતની ઉચ્ચ-સ્તરીય નિયમિત મુલાકાતો થતી હતી.
ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે એપ્રિલ 2009માં પોલેન્ડની મુલાકાત લીધી હતી. સપ્ટેમ્બર 2010માં પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે ભારતની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સતત વધી રહ્યો છે અને 2023માં તે 5.72 બિલિયન ડોલર રહ્યો હતો. પોલેન્ડમાં ભારતની નિકાસમાં ચા, કોફી, મસાલા, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને ઉપકરણો, ઓટો પાર્ટ્સ અને સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ અંગે શું વિચારે છે ખાલિદા ઝિયાની પાર્ટી BNP
પોલેન્ડથી ભારતમાં થતી આયાતમાં મશીનરી, પ્લાસ્ટિક મટિરિયલ્સ, ફેરસ મેટલ્સ, મશીન ટૂલ્સ અને ડિફેન્સ આઇટમ્સનો સમાવેશ થાય છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો ટેક્નોલોજીસ, જેનસાર અને વીડિયોકોન જેવી ભારતીય કંપનીઓ પોલેન્ડમાં પહેલેથી જ કાર્યરત છે. 2019માં સીધી નોન સ્ટોપ ફ્લાઈટ્સ પણ શરૂ થઈ હતી.
ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધો
ભારતે ડિસેમ્બર 1991માં યુક્રેનને એક સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપી હતી. કિવમાં ભારતીય દૂતાવાસ મે 1992માં ખોલવામાં આવ્યું હતું, જેમાં એક રક્ષા વિંગ પણ સામેસ છે. યુક્રેન ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય શિમલા સમજુતીના આધારે જમ્મુ-કાશ્મીર મુદ્દાના સમાધાનનું સમર્થન કરે છે. યુક્રેન સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સુધારાને પણ ટેકો આપે છે. બંને વચ્ચે વેપારને લગતા ઘણા કરારો થયા છે.
એરો ઇન્ડિયા 2021 દરમિયાન યુક્રેને નવા શસ્ત્રોના વેચાણ તેમજ ભારતીય સશસ્ત્ર દળો સાથે સેવામાં રહેલા હાલના શસ્ત્રોની જાળવણી અને અપડેટ કરવા માટે ભારત સાથે 530 કરોડ રૂપિયાના ચાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
યુક્રેન અને ભારત પાસે એક કમિશન છે જે સંયુક્ત બિઝનેસ કાઉન્સિલની બેઠકોનું આયોજન કરે છે. 2022માં ભારતે યુક્રેનને 743 મિલયન ડોલરની નિકાસ કરી હતી. તેમાં પેટ્રોલિયમ, પેકેજ્ડ દવાઓ અને પ્રસારણનાં સાધનો મુખ્ય હતાં. આ સિવાય અન્ય વસ્તુઓમાં કાચી ધાતુ અને ખનીજો, તમાકુની પેદાશો, ચા, કોફી, મસાલાઓ, રેશમ અને શણનો સમાવેશ થાય છે.
યુક્રેને ભારતને 1.08 અબજ ડોલરની નિકાસ કરી હતી. મુખ્ય ઉત્પાદનોમાં બીજ તેલ, નાઇટ્રોજનયુક્ત ખાતર, રસાયણો અને દરિયાઇ અને વિમાન એન્જિનનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં યુક્રેનની ભારતમાં નિકાસ 14.3 ટકાના વાર્ષિક દરે ધીમી પડી છે.
સસ્તું રશિયન તેલ ખરીદીને લાભ કરવા માટે યુક્રેનને ભારતની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તટસ્થ હોવાનો ઢોંગ કરવો એ રશિયાનો પક્ષ લેવા બરાબર છે. પરંતુ ભારત સરકારે તેની ડી-હાઇફેન નીતિને ધ્યાનમાં રાખીને યુક્રેનને આવશ્યક દવાઓ, આવશ્યક તબીબી ઉપકરણો અને સ્કૂલ બસો સહિત નોંધપાત્ર પ્રમાણમાં માનવતાવાદી સહાય પૂરી પાડી છે. આ દરમિયાન ભારતે પાકિસ્તાન નિર્મિત હથિયારો અને દારૂગોળો યુક્રેનને ટ્રાન્સફર કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
પીએમ મોદીની મુલાકાત મહત્વપૂર્ણ
આ બધાની વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે હાલમાં જે વિવાદ છે તેને શાંત કરવાની કોશિશ કરી શકે છે. પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતથી પીએમ મોદીને વાતચીત કરવા અને બીજી તરફની ગતિશીલતા અને ચિંતાઓ સાથે સમજવામાં મદદ મળશે. નિ:શંકપણે શાંતિ ત્યારે જ આવી શકે છે જ્યારે રશિયા અને યુક્રેન બંને ટેબલ પર બેસે અને ભય અને આશંકાઓ શેર કરે.