scorecardresearch
Premium

પીએમ મોદીએ જૂના મિત્રોને કર્યા યાદ, કહ્યું – હવે મારી જિંદગીમાં એવો કોઈ નથી જે મને ‘તું’ કહે

PM Modi On Nikhil Kamath Podcast : પીએ મોદીએ પોતાના પ્રથમ પોડકાસ્ટમાં કહ્યું કે ભૂલો થાય છે અને હું કેટલીક ભૂલો કરી શકું છું. હું પણ માણસ છું, ભગવાન નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે તેઓ પહેલીવાર પીએમ બન્યા હતા ત્યારે ચીનના રાષ્ટ્રપતિએ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

PM Modi podcast, PM Modi
નિખિલ કામથ સાથે પોડકાસ્ટ દરમિયાન પીએમ મોદી (તસવીર – સોશિયલ મીડિયા)

PM Modi On Nikhil Kamath Podcast : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથની પીપલ બાય ડબલ્યુટીએફ સીરિઝ પર પોતાના પોડકાસ્ટની શરૂઆત કરતા કહ્યું હતું કે ભૂલો થાય છે અને તેમનાથી પણ ભૂલો થવાની સંભાવના રહે છે. પીએ મોદીએ કામથને કહ્યું કે ભૂલો થાય છે અને હું કેટલીક ભૂલો કરી શકું છું. હું પણ માણસ છું, ભગવાન નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે તેઓ પહેલીવાર પીએમ બન્યા હતા ત્યારે ચીનના રાષ્ટ્રપતિએ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ પોડકાસ્ટમાં કહ્યું કે જ્યારે હું 2014માં વડા પ્રધાન બન્યો હતો, ત્યારે તે સ્વાભાવિક છે કે વિશ્વના નેતાઓ કોલ કરે છે. તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ફોન આવ્યો અને તેમણે મને શુભેચ્છા પાઠવી. શી એ પોતે સામેથી કહ્યું હતું કે હું ભારત આવવા માંગુ છું. તેથી મેં કહ્યું કે તમારું એકદમ સ્વાગત છે. તમે જરુર આવો. પરંતુ તેમણે કહ્યું કે મારે ગુજરાત જવું છે. મેં કહ્યું કે આ તો ઘણી સારી વાત છે.

તેમણે કહ્યું કે મારે તમારા ગામ જવું છે. મેં કહ્યું કે શું વાત છે. તમે એક જ વારમાં આટલો લાંબો કાર્યક્રમ બનાવ્યો છે. તેમણે મને પૂછ્યું કે શું હું જાણું છું કે શા માટે, અને મેં ના પાડી. ત્યારે તેમણે કહ્યું કે મારો અને તમારો ખાસ સંબંધ છે. મેં પૂછ્યું શું. તેમણે કહ્યું કે ચાઇનીઝ દાર્શનિક હ્યુએન ત્સાંગ સૌથી વધુ તમારા ગામમાં જ રહ્યા હતા. પરંતુ જ્યારે તે ચીન પાછા આવ્યા ત્યારે તે મારા ગામમાં રહેતા હતા. તેમણે કહ્યું કે આ આપણા બન્નેનું કનેક્શન છે.

પીએમ મોદીએ બાળપણના મિત્રો વિશે શું કહ્યું ?

બાળપણના મિત્રો વિશે પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું કે મેં મારું ઘર, દરેક સંબંધ નાની ઉંમરમાં જ છોડી દીધા. હું ભટકતા માણસની જેમ મારું જીવન જીવી રહ્યો હતો, બધા સાથે મારો સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો, ત્યારે મેં મારા જૂના સહપાઠીઓને મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કર્યા. મારો ઇરાદો તેમને તે બતાવવાનો હતો કે હું હજી પણ તે જ વ્યક્તિ છું જે વર્ષો પહેલા ગામમાં તેમની સાથે રહેતો હતો. હું તે ક્ષણોને ફરીથી જીવવા માંગતો હતો.

આ પણ વાંચો – 3 માળ, 26 વિભાગો અને 200 વર્ષનો સંઘર્ષ… રામ મંદિર પછી અયોધ્યામાં રામ કથા મ્યુઝિયમ બનશે

પીએમ મોદીએ કહ્યું કે તેમાંથી લગભગ 30-35 લોકો આવ્યા, અમે ભોજન લીધું, જૂની વાતોને યાદ કરી. પરંતુ મને તેનો આનંદ ન આવ્યો કારણ કે હું મિત્રોની શોધમાં હતો જ્યારે તેઓ મને મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યા હતા. હવે મારી જિંદગીમાં એવો કોઈ નથી જે મને ‘તું’ કહે.

રાજકારણમાં સફળ થવાનો મંત્ર

પીએમ મોદીએ કહ્યું કે રાજકારણી બનવું એ એક બાબત છે અને રાજકારણમાં સફળ થવું એ બીજી બાબત છે. હું માનું છું કે, તમારે સમર્પણની, પ્રતિબદ્ધતાની જરુર છે, તમારે લોકો માટે હાજર રહેવું પડશે અને તમારે એક સારો ટીમ પ્લેયર બનવું પડશે. જો તમે પોતાને સૌથી ઉપર માનો છો અને વિચારો છો કે દરેક વ્યક્તિ તમારું અનુસરશે કરશે, તો કદાચ તેની રાજનીતિ કામ કરે અને તેઓ ચૂંટણી જીતી જાય, પરંતુ તે સફળ રાજકારણી બનશે તેની કોઈ ગેરંટી નથી.

પીએમ મોદીએ ગોધરાકાંડ અંગે શું કહ્યું?

પીએમ મોદીએ ગોધરાકાંડને યાદ કરતા કહ્યું કે 24 ફેબ્રુઆરી 2002 ના રોજ હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો અને 27 ફેબ્રુઆરીએ હું ગુજરાત વિધાનસભામાં ગયો. ગોધરામાં આવી ઘટના બની ત્યારે હું ત્રણ દિવસ જૂનો ધારાસભ્ય હતો. અમને પહેલા ટ્રેનમાં આગ લાગવાના સમાચાર મળ્યા, ત્યારબાદ ધીરે ધીરે અમને જાનહાનિના સમાચાર મળ્યા. હું ગૃહમાં હતો અને હું ચિંતિત હતો.

પીએમ મોદીએ કહ્યું કે જેવો હું બહાર આવ્યો કે તરત જ મેં કહ્યું કે મારે ગોધરા જવું છે. ત્યાં ફક્ત એક જ હેલિકોપ્ટર હતું. મને લાગે છે કે તે ઓએનજીસીનું હતું, પરંતુ તેઓએ કહ્યું કે તે સિંગલ એન્જિન હોવાથી તેઓ તેમાં કોઈ વીઆઈપીને મંજૂરી આપી શકતા નથી. અમારી વચ્ચે દલીલ થઇ અને મેં કહ્યું કે જે પણ થશે તેના માટે હું જવાબદાર રહીશ. હું ગોધરા પહોંચ્યો અને મેં તે દર્દનાક દશ્ય જોયું, મેં બધુ જ અનુભવ્યું પણ હું જાણતો હતો કે હું એવી પરિસ્થિતિમાં બેઠો હતો જ્યાં મારે મારી લાગણીઓ પર કાબૂ રાખવો પડશે. મેં પોતાને કંટ્રોલમાં રાખવા માટે જે કંઈ પણ કરી શકું તે કર્યું કારણ કે હું મુખ્યમંત્રી હતો.

Web Title: Pm narendra modi makes podcast debut on nikhil kamath show ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×