PM Modi Bihar Visit : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના ગયાજીમાં વિકાસની ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને ઘણા પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પછી વડા પ્રધાન મોદીએ બેગુસરાયમાં ઓંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પુલ પટના જિલ્લાના મોકામાને બેગુસરાયથી જોડે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અહીં રોડ શો પણ કર્યો હતો.
ગયાજીમાં એક જનસભાને સંબોધિત કરતા મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તે સત્તાના ઉચ્ચ સ્તરો પર ભ્રષ્ટાચારને રોકવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવેલા પગલાઓનો વિરોધ અને ઘૂસણખોરો દ્વારા દેશની જનસંખ્યા પર ઉભા કરવામાં આવેલા ખતરાને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાઓનો વિરોધ કરી રહ્યો છે. તેમણે આડકતરી રીતે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બંધારણ (130મો સુધારો) બિલ 2025 અને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (એસઆઈઆર)નો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીની ખાસ વાતો
પીએમ મોદીએ ગયાજી રેલી પહેલા બે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. ગયાથી દિલ્હી સુધી અમૃત ભારત એક્સપ્રેસ અને વૈશાલીથી કોડરમા સુધીની બૌદ્ધ સર્કિટ ટ્રેન શરુ કરી. આ ટ્રેનો આ ક્ષેત્રના મુખ્ય બૌદ્ધ સ્થળોએ પર્યટન અને ધાર્મિક યાત્રાને પ્રોત્સાહન આપશે.
પીએમ મોદીએ ગયાજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 12,000 ગ્રામીણ લાભાર્થીઓને ગ્રામીણ વિસ્તારોમાં મકાનો આપવામાં આવ્યાં છે. આ યોજના હેઠળ શહેરીજનોએ 4260 જેટલા લાભાર્થીઓના ગૃહ પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત કેટલાક લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે ચાવીઓ સોંપી છે.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે બિહાર ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની ભૂમિ છે. બિહાર હંમેશાં દેશની કરોડરજ્જુ તરીકે ઉભું રહ્યું છે. આ પવિત્ર ભૂમિ પર લેવામાં આવેલો દરેક સંકલ્પ દેશની તાકાત છે અને વ્યર્થ જતો નથી. પહેલગામમાં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે મેં આ ભૂમિ પરથી આતંકવાદીઓને ધૂળ ચટાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. દુનિયાએ જોયું છે કે તે સંકલ્પ પૂર્ણ થયો.
પીએમ મોદીએ મંચ પરથી લાલુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે ફાનસ (આરજેડીનું ચૂંટણી ચિહ્ન)ના શાસન દરમિયાન અહીંની પરિસ્થિતિને યાદ કરો. આ વિસ્તાર લાલા આતંક (નક્સલવાદીઓ)ની ચપેટમાં હતો. ગયાજી જેવા શહેરો ફાનસના શાસન દરમિયાન અંધકારમાં હતા. તેઓએ આખા રાજ્યને અંધકારમાં ધકેલી દીધું હતું. ત્યાં ન તો શિક્ષણ હતું, ન તો રોજગારી હતી. કેટલી પેઢીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આરજેડી બિહારની જનતાને માત્ર પોતાની વોટબેંક માને છે. તેમને તેમના જીવન, દુખ કે ગૌરવ સાથે કોઈ લેવાદેવા નથી.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ બિહારના લોકોને તેમના રાજ્યમાં પ્રવેશવા દેશે નહીં. બિહારના લોકો પ્રત્યે કોંગ્રેસની નફરતને કોઈ ભૂલી શકે તેમ નથી. બિહારની જનતા સાથે કોંગ્રેસનો દુર્વ્યવહાર જોવા છતાં આરજેડી ઘોર નિંદ્રામાં હતી. એનડીએ સખત મહેનત કરી રહ્યું છે જેથી બિહારના યુવાનોને રોજગાર, આદર મળી શકે અને તેમના પોતાના રાજ્યમાં તેમના માતાપિતા સાથે રહી શકે.
પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ સરકારી કર્મચારીને 50 કલાકની જેલ થાય છે તો તેની નોકરી ચાલી જાય છે, પછી ભલે તે ડ્રાઇવર, ક્લાર્ક અથવા પટાવાળો હોય. પરંતુ મુખ્યમંત્રી, મંત્રી કે પછી વડા પ્રધાન જેલમાંથી પણ સરકારમાં ચાલુ રહેવાનો આનંદ માણી શકે છે. થોડા સમય પહેલાં આપણે જોયું કે જેલમાંથી ફાઇલો પર કેવી રીતે સહી કરવામાં આવી રહી છે અને જેલમાંથી સરકારી આદેશો કેવી રીતે આપવામાં આવી રહ્યા છે. જો રાજકારણીઓમાં આવું વલણ હોય તો આપણે ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડી શકીએ? એનડીએ સરકાર ભ્રષ્ટાચાર સામે કાયદો લાવી છે અને વડા પ્રધાન પણ તેના કાર્યક્ષેત્રમાં આવે છે.
આ પણ વાંચો – રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત, આ મુદ્દા પર થઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં ગેરકાયદેસર પ્રવાસીઓની વધતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. બિહારના સરહદી વિસ્તારોમાં વસ્તી સંખ્યા ઝડપથી બદલાઈ રહી છે. એનડીએ સરકારે નિર્ણય લીધો છે કે તે ગેરકાયદેસર વસાહતીઓને આપણા દેશનું ભવિષ્ય નક્કી કરવાની મંજૂરી આપશે નહીં. અમે બિહારના લોકો માટે બનાવવામાં આવેલી નોકરીઓ છીનવી લેવાની મંજૂરી આપીશું નહીં.
પીએમ મોદીએ આગળ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓના આ દૂષણને પહોંચી વળવા માટે મેં એક જનસાંખ્યિક મિશન શરૂ કરવાની દરખાસ્ત કરી છે. મિશન ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ કરશે. અમે દરેક આવા પ્રવાસીને બહાર ફેંકી દઈશું. બિહારના લોકોએ દેશમાં આ લોકોના સમર્થકોથી સાવચેત રહેવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ અને આરજેડી તૃષ્ટીકણ અને પોતાની વોટબેંકને વધારવા માટે બિહારના લોકોના અધિકાર છીનવી તેમને આપવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ખૂબ જ ગુસ્સામાં છે. તેમને લાગે છે કે જો તેઓ જેલમાં જશે તો તેમના બધા સપના ચકનાચૂર થઇ જશે. તેઓ એટલા ગભરાયેલા છે કે તેઓ એવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે જે લોકોના હિતમાં છે.