PM Modi Degree Row : દિલ્હી હાઈકોર્ટે સોમવારે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ સચિન દત્તાએ આ નિર્ણય સંભળાવ્યો હતો.
જસ્ટિસ સચિન દત્તાએ આરટીઆઇ સાથે જોડાયેલી અનેક અરજીઓ પર ચુકાદો સંભળાવતા ઓપન કોર્ટમાં કહ્યું હતું કે, સીઆઇસીના વિવાદાસ્પદ આદેશને રદ કરવામાં આવે છે. કોર્ટે 27 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યાના અને આદેશ અનામત રાખ્યાના લગભગ છ મહિના પછી આ ચુકાદો આવ્યો છે.
ન્યાયાધીશ સચિન દત્તાએ ચુકાદો આપ્યો હતો કે વિવાદિત આદેશમાં કેન્દ્રીય માહિતી આયોગનો સંપૂર્ણ અભિપ્રાય પુરી રીતે ખોટો હતો. તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ વ્યક્તિની ડિગ્રી/ગુણ/પરિણામ ને લગતી માહિતી ‘જાહેર માહિતી’ના સ્વરૂપમાં હોય છે તેવું તારણ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિ. સુભાષ ચંદ્ર અગ્રવાલના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સીધું અને સંપૂર્ણ ઉલ્લંઘન છે.
ડીયુ તરફથી શું દલીલ આપવામાં આવી હતી?
દિલ્હી યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સીઆઈસીના આદેશને રદ કરવો જોઈએ. જોકે મહેતાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીને પોતાનો રેકોર્ડ કોર્ટને બતાવવામાં કોઈ વાંધો નથી. તેમાં 1978ની કલા સ્નાતકની એક ડિગ્રી છે.
આ પણ વાંચો – ભારતીય સેના એલઓસીને કિલ્લાની દિવાલની જેમ મજબૂત કરી રહી છે, AIOS નો થઇ રહ્યો છે ઉપયોગ
ડીયુએ સીઆઈસીના આદેશને એ આધાર પર પડકાર્યો હતો કે તે વિદ્યાર્થીઓની માહિતીને વિશ્વસનીય ક્ષમતામાં રાખે છે અને જાહેર હિતની ગેરહાજરીમાં માત્ર કુતૂહલ ના આધારે કોઈને પણ આરટીઆઈ કાયદા હેઠળ વ્યક્તિગત માહિતી મેળવવાનો અધિકાર નથી. અગાઉ આરટીઆઈ અરજદારોના વકીલે સીઆઈસીના આદેશનો બચાવ એ આધાર પર કર્યો હતો કે માહિતી અધિકાર અધિનિયમમાં મોટા જાહેર હિતમાં વડા પ્રધાનની શૈક્ષણિક માહિતી જાહેર કરવાની જોગવાઈ છે.
સીઆઈસીના આદેશને 2017માં પડકારવામાં આવ્યો હતો.
2017માં દિલ્હી યુનિવર્સિટીએ સીઆઈસીના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી, જેમાં 1978માં યુનિવર્સિટીમાંથી બીએ પ્રોગ્રામ પાસ કરનારા વિદ્યાર્થીઓના રેકોર્ડનું તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ જ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સીઆઈસીનો આદેશ આરટીઆઈ અરજીના સંદર્ભમાં આવ્યો છે. વર્ષ 1978માં વડાપ્રધાન મોદીએ પણ આ પરીક્ષા પાસ કરી હતી.
પીએમ મોદીના ડિગ્રી કેસમાં કેવી રીતે થયો વિવાદ?
વર્ષ 2016માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની પોતાની શૈક્ષણિક ડિગ્રીઓ વિશે સ્પષ્ટ કરવા અને તેને સાર્વજનિક કરવા કહ્યું હતું. પોતાના ચૂંટણી સોગંદનામામાં પીએમે કહ્યું હતું કે તેઓ 1978માં ડીયુમાંથી બીએ (પોલિટિકલ સાયન્સ)માં સ્નાતક થયા હતા.
એક વર્ષ બાદ નીરજ શર્મા નામના એક વ્યક્તિએ આરટીઆઇ અરજી દાખલ કરીને 1978માં દિલ્હી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી બીએની તમામ ડિગ્રીની વિગતો માંગી હતી. ત્યારબાદ ડીયુએ ડિગ્રી સાથે સંબંધિત માહિતી જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો, એમ કહીને કે તે “ખાનગી” છે અને “જાહેર હિત સાથે તેને કોઈ લેવાદેવા નથી.
જ્યારે ડીયુએ માહિતી આપી ન હતી, ત્યારે નીરજ શર્માએ ડિસેમ્બર 2016માં સીઆઈસીનો સંપર્ક કર્યો હતો. તેના પગલે માહિતી કમિશનર પ્રોફેસર એમ આચાર્યુલુએ એક આદેશ પસાર કરીને ડીયુને 1978માં બેચલર ઓફ આર્ટ્સ પ્રોગ્રામમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી ધરાવતા રજિસ્ટરને સાર્વજનિક કરવાનો નિર્દેશ આપ્યો હતો.