PM Modi China Visit : પીએમ નરેન્દ્ર મોદી પોતાની જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે. એરપોર્ટ પર લાલ જાજમ બિછાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદી તિયાનજિન પહોંચ્યા છે. 2020માં ગલવાન અથડામણ પછી પીએમ મોદીની આ પહેલી ચીનની મુલાકાત છે. પીએમ મોદી સાત વર્ષ પછી ચીન પહોંચ્યા છે
પીએમ મોદી જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત કરશે
આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થશે. SCO સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાશે. 20 થી વધુ દેશોના નેતાઓ તેમાં ભાગ લેશે. ભારત 2017થી એસસીઓનું સભ્ય છે. એસસીઓ શિખર સંમેલનમાં મોદી પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને પગલે સરહદ પારના આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરે તેવી અપેક્ષા છે.
લોકો પીએમ મોદીને મળવા માટે ઉત્સાહિત
ચીનના તિયાનજિનમાં ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્ય ગજેન્દ્ર શર્માએ કહ્યું કે અમે બધા પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
મોદી અને જિનપિંગે ગયા વર્ષે કઝાનમાં મુલાકાત કરી હતી
ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન દરમિયાન મુલાકાત થઈ હતી. આ પહેલા બોર્ડર પર પેટ્રોલિંગ સિસ્ટમ પર પણ સમજૂતી થઇ હતી, ત્યારબાદ ડિસએન્ગેજમેન્ટ શરૂ થઇ ગયું હતું. હાલમાં એનએસએ અજિત ડોવલ બે વાર ચીનની મુલાકાતે ગયા હતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ ત્યાં બેઠકોમાં ભાગ લેવા ગયા હતા.
પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આખી દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી પરેશાન છે. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ અને ચીન પર 30% ટેરિફ લાદ્યો છે.
આ પણ વાંચો – પીએમ મોદીનું ઉદાહરણ આપી ઉમા ભારતીએ કહ્યું – હજું તો હું 65 વર્ષની પણ થઇ નથી, ચૂંટણી લડીશ
ચીન પહેલા પીએમ મોદી જાપાન ગયા હતા
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે જાપાનમાં વડાપ્રધાન શિગેરુ ઇશીબા સાથે શિખર બેઠક કરી હતી. બંને દેશોએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (એલઈટી), જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ), અલ કાયદા અને આઈએસઆઈએસ સામે નક્કર અને સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.