Rajnath Singh Operation Sindoor Speech: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ સૈન્ય અભિયાન અંગેના દરેક સવાલના જવાબ આપ્યા છે. તેમના તરફથી જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાનને 22 મિનિટની અંદર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરને અંજામ આપતા પહેલા આપણી સેનાએ દરેક પાસાનો અભ્યાસ કર્યો હતો. આપણી પાસે ઘણા વિકલ્પો હતા પરંતુ અમે એવા વિકલ્પો પસંદ કર્યા જે આતંકવાદીઓના અડ્ડાઓને સૌથી વધુ નુકસાન પહોંચાડે અને પાકિસ્તાનની સામાન્ય જનતાને નુકસાન ન પહોંચાડે. સેનાના હુમલામાં આતંકીઓના 9 ઠેકાણાઓને સચોટ રીતે તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં એક અંદાજ મુજબ 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. આ માત્ર એક અનુમાન છે, આંકડો ઘણો ઊંચો હોઈ શકે છે.
આ બધા આતંકીઓ છે જેમને પાકિસ્તાની સેના તરફથી ખુલ્લુ સમર્થન મળી રહ્યું હતું. સેનાએ તે તમામ અડ્ડાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ સમગ્ર ઓપરેશન માત્ર 22 મિનિટમાં પૂર્ણ થયું હતું, અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા છે. દરેક ભારતીય આ ભાવનાથી અભિભૂત થયા હતા.
ઓપરેશન સિંદૂરને કોઇ દબાણમાં રોકવામાં આવ્યું નથી
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં એ વાત ઉપર પણ ભાર આપ્યું કે ઓપરેશન સિંદૂરને કોઇ દબાણમાં રોકવામાં આવ્યું નથી. તેમણે કોઈનું નામ લીધું ન હતું પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે સીઝફાયર પાકિસ્તાનના કહેવા પર થયું છે રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર ત્રણેય સેનાઓને ખુલ્લી આઝાદી આપવામાં આવી હતી, તેમને ટાર્ગેટ પસંદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. સંબોધનમાં રક્ષામંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશન સિંદૂર માત્ર મોકૂફ રાખવામાં આવ્યું છે તેને ફરી શરૂ કરી શકાય છે. તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન કોઇ મિસ એડવેન્ચર કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
રાહુલ ગાંધીનું નામ લીધા વગર રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે તેમણે એ નથી પૂછ્યું કે દુશ્મનના કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા, જો તેમને સવાલ પૂછવો હોય તો તેમણે પૂછવું જોઈએ કે શું ભારતે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે, તો તેનો જવાબ હા, હા છે.
આ પણ વાંચો – ‘દેશ જાણવા માંગે છે કે, આતંકવાદીઓ કેવી રીતે ઘૂસ્યા?’, કોંગ્રેસ સાંસદે મોદી સરકારને પૂછ્યા કડવા પ્રશ્નો
તેમણે કહ્યું કે હું વિપક્ષના સાથીઓને કહેવા માંગુ છું કે જો તમે પૂછવા માંગતા હો, તો પૂછો કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યું કે નહીં, તો તેનો જવાબ હા છે. જે આતંકવાદીઓએ બહેનોના સિંદૂર મિટાવ્યા હતા, આપણે તેના આકાઓને નેસ્તનાબુદ કર્યા હતા, એવો પ્રશ્ન તમારે પૂછવો હોય તો એનો જવાબ હા છે. જો તમારે પૂછવું હોય તો પૂછો કે શું આપણા સૈનિકોને કોઈ નુકસાન થયું છે, તો જવાબ ના છે. તેમણે કહ્યું કે જ્યારે ધ્યેય મોટા હોય, ત્યારે નાના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ નહીં.
રક્ષામંત્રીએ ઉદાહરણ આપતા કહ્યું કે કોઇ પરીક્ષામાં સારા માર્ક્સ લાવે છે તો પરિણામ જ મેટર કરે છે, પેન્સિલ કેવી રીતે તૂટી તે અંગે વિચાર ન કરવો જોઈએ. રક્ષા મંત્રીએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો હતો કે ભારતે હંમેશા શાંતિની વાત કરી છે. અટલ બિહારી વાજપેયીએ પણ 1999માં લાહોરની મુલાકાત લીધી હતી. વર્ષ 2015માં પીએમ મોદી પણ નવાઝ શરીફને મળ્યા હતા. પરંતુ આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં.
પાકિસ્તાન પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું કે જે દેશ પાસે લોકતંત્રનો એક પણ તિનકો નથી, તેની સાથે વાતચીત થઇ શકે નહીં, વાતચીતનો અવાજ ગોળીઓના અવાજમાં ખોવાઇ જાય છે. ત્યારબાદ રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતે હવે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે, હવે શાંત બસશે નહીં.
આજનું ભારત સક્ષમ પણ છે અને આત્મનિર્ભર પણ છે – રાજનાથ સિંહ
રક્ષામંત્રીએ આત્મનિર્ભર ભારત ઉપર પણ વિસ્તારથી વાત કરી હતી. તેમના વતી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આજનું ભારત સક્ષમ પણ છે અને આત્મનિર્ભર પણ છે. જો કોઈ આપણા નાગરિકોની હત્યા કરશે તો ભારત ચૂપ બેસશે નહીં. અમે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવા માંગીએ છીએ. આ પછી રાજનાથ સિંહે સર્વપક્ષીય પક્ષોની પ્રશંસા કરી હતી, જેમણે ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડ્યો હતો.
રક્ષા મંત્રીએ લોકસભામાં કહ્યું કે અમે નવી લક્ષ્મણ રેખા દોરી છે, ભારત હવે કોઈ પણ દબાણ સામે ઝૂકવાનું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા અમે જે કર્યું તે ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું. પરંતુ જે થાય છે તે સમયસર થાય છે. અમારી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ કરી દીધી છે, તેના પર કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. થોડા દિવસ પહેલા મને એસસીઓની બેઠકમાં જવાનો મોકો મળ્યો, ત્યાં જારી નિવેદનમાં આપણું સ્ટેન્ડ કમજોર કરવામાં આવી રહ્યું હતું, તેથી અમે તેના પર હસ્તાક્ષર કર્યા ન હતા અને કોઈ સંયુક્ત નિવેદન બહાર આવ્યું ન હતું.