Pakistan Stock Exchange KSE 100 Index Crash : પાકિસ્તાન શેરબજાર માટે 7 મે, 2025નો દિવસ બ્લેક ડે બની રહ્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાં પર હુમલો કર્યો છે. ભારતની એર સ્ટ્રોઇલ બાદ પાકિસ્તાન શેરબજાર લોહિલુહાણ થયો છે. ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલા બાદ પાકિસ્તાન શેરબજારના બેન્ચમાર્ક કરાચી સ્ટોક એક્સચેન્જમાં 6500 પોઇન્ટનો કડાકો બોલાયો છે. પાકિસ્તાન શેરબજારમાં ઐતિહાસિક કડાકાના લીધે માર્કેટ વેલ્યૂએશનમાં 6 ટકાનું ધોવાણ થયુ હતું.
આ જબરદસ્ત કડાકાને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ KSE 100 ઘટીને 107,007 થઈ ગયો, જેના કારણે શેરબજારના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ, પાકિસ્તાન શેરબજારમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નહોતા અને હજુ પણ માર્કેટ 4 ટકાથી થી વધુ ડાઉન છે.
પાકિસ્તાન શેરબજાર કેમ ઘટ્યું? ઓપરેશન સિંદૂર પર સૌની નજર
કેએસઇ 100 (કરાચી સ્ટોક એક્સચેંજ)માં કડાકાનું કારણ ભારતની એર સ્ટ્રાઇક છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર હુમલો કરતા બંને દેશો વચ્ચે રાતોરાત તંગદિલી વધી ગઇ હતી. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા હતુા.
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં બુધવારે વહેલી સવારે નવ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ચાર પાકિસ્તાનની અંદર અને પાંચ પીઓકેમાં હતા. તાજેતરમાં જ ભારતના કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે.
આ પણ વાંચો | ગુજરાતની દિકરીનું ઓપરેશન સિંદૂરમાં અદમ્ય સાહસ, પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાં કર્યા નષ્ટ
ભારત દ્વારા આજે વહેલી સવારે શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ)ના કથિત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, આ તમામ ઠેકાણાં પાકિસ્તાનના વિસ્તારની અંદરથી કાર્યરત હોવાનું કહેવાય છે.