Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલા બાદ ટીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ હવે તેણે પલટી મારી છે. ભારતની કાર્યવાહીના કારણે આતંકી સંગઠનોમાં ડર છે અને હવે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટીઆરએફ એ લશ્કરનું એક જૂથ છે અને સૌથી પહેલા લશ્કરે જ આ ઘટનામાં કોઈ પણ સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ પછી ટીઆરએફએ પણ આ હુમલાની જવાબદારી નકારી કાઢી છે.
સાઇબર એટેકના કારણે પોસ્ટ થઇ ગઇ હતી
ટીઆરએફે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે પહેલગામમાં થયેલા હુમલા બાદ તરત જ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પરથી ખોટો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે સાઇબર એટેકના કારણે તે પોસ્ટ કરવામાં આવી હતી. અમે શોધવા માટે પુરી તપાસ કરી રહ્યા છીએ. આ પહેલા તેણે પહેલગામ હુમલો કરવાની જવાબદારી લીધી હતી.
પહેલગામ હુમલા બાદ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સૈફુલ્લા કસૂરીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે આતંકવાદી હુમલા માટે પોતાને જવાબદાર માનવાનો ઇન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને તેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી. સૈફુલ્લાએ કહ્યું હતું કે ભારતના મીડિયા અને સરકારે કોઈ પણ પુરાવા વગર અમને અને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યાં છે અને આ એક કાવતરું છે.
TRF શું છે? તે કેવી રીતે કામ કરે છે?
TRF એક આતંકવાદી સંગઠન છે જે 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે.
આ પણ વાંચો – તુલસી ગબાર્ડે કહ્યું – ઈસ્લામિક આતંકવાદી હુમલાની સામે અમે ભારત સાથે સાથે ઉભા છીએ
TRF એ વારંવાર નાગરિકો પર હુમલો કર્યો છે, ખાસ કરીને કાશ્મીરી પંડિતો જેવા લઘુમતી સમુદાયોના સભ્યો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલો કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને ધર્મનિરપેક્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો હેતુ કાશ્મીરમાં આતંક ફેલાવવાનો છે.