સ્વરાજ પોલ નિધન, Swaraj Paul Death: જાણીતા ભારતીય બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું ગુરુવારે સાંજે લંડન ખાતે નિધન થયું છે. પરોપકારી અને જાણીતા ઉદ્યોગપતિના નિધનથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ સ્વરાજ પોલના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “ભારત અને યુકે વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમનું પ્રદાન હંમેશા યાદ રહેશે. લોર્ડ સ્વરાજ પોલનું ગુરુવારે સાંજે લંડનમાં નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, સ્વરાજ પોલના નિધનથી ખૂબ જ દુ:ખ થયું છે. યુકેમાં ઉદ્યોગ, પરોપકાર અને જાહેર સેવામાં તેમના યોગદાન અને ભારત સાથેના ગાઢ સંબંધોને તેમનો અવિરત ટેકો હંમેશા યાદ રહેશે. હું અમારી ઘણી મુલાકાતો મિસ કરું છું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
યુકે સ્થિત કેપ્રો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક લોર્ડ પોલ તાજેતરમાં બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ જલંધરમાં થયો હતો અને તેમની પુત્રી અંબિકાની સારવાર માટે યુકેમાં સ્થાયી થયા હતા.
સ્વરાજ પૌલ વિશે જાણવા જેવું
સ્વરાજ પૌલનો જન્મ 1931માં પંજાબના જલન્ધરમાં થયો હતો. તેમનો જન્મ થયો એ સમયે ભારતમાં અંગ્રેજ શાસન હતું. તેમના પિતાનું નામ પ્યારે લાલ અને માતાનું નામ મોંગવતી હતું. તેમના પિતા એક નાનું કારખાનું ચલાવતા હતા. જેમાં ખેતીના સાધનો અને સ્ટીલની ડોલ સહિત વસ્તુઓ બનાવતા હતા.
USA Visa: અમેરિકામાં કરોડો વિઝા ધારકો સામે ખતરો!!
સ્વરાજ પૌલે પ્રાથમિક અને હાઇસ્કૂલ શિક્ષણ જલંધર ખાતે લીધું હતું. ત્યાર બાદ લાહોરની ફોરમેન ક્રિશ્વયન કોલેજ અને જલંધરની દોઆબા કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બી.એસ.સી અને એસ.એસ.સી કર્યા બાદ મિકેનિકલ એંજિનિયરીંગનો અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા.
સ્વરાજ પૌલ બ્રિટન સફર અને કેપારો ગ્રુપ
સ્વરાજ પૌલ એમની નાની પુત્રીની લ્યુકેમિયાની સારવાર કરાવવા માટે 1966માં યુનાઇટેડ કિંગડમ સ્થાયી થયા. પુત્રીના નિધન બાદ તેમણે અહીં નેચરલ ગેસ ટ્યુબ્સની સ્થાપના કરી. ત્યાર બાદ વધુ એક સ્ટીલ યુનિટ શરુ કર્યું અને 1968માં કેપારો ગ્રુપની સ્થાપના કરી. જે આગળ જતાં યુકેની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક અને વિતરક કંપની બની.
સ્વરાજ પૌલે સફળતાની સાથે કપરો સમય પણ જોયો. કંપનીનો વહીવટ કેટલેક અંશે પડી ભાંગતા પુત્ર અંગદે આત્મહત્યા કરતાં તેઓ ઘેરા દુ:ખમાં સરી પડ્યા હતા. બાદમાં તેઓ બ્રિટિશ રાજકારણમાં સક્રિય થયા અને ઘણા હોદ્દા સંભાળ્યા. સાથોસાથ બાળકોની યાદમાં કેપારો કંપનીએ મોટા પાયે સખાવત શરુ કર્યું.