scorecardresearch
Premium

New Delhi Railway Station Stampede: 1500 જનરલ ટિકિટ વેચાઇ, એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગ નહીં, દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગનું કારણ રેલવે વિભાગની બેદરકારી!

New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવાર રાત્રે નાસભાગ મચતા 18 લોકોના મોત થયા છે. મુસાફરો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહ્યા હતા.

new delhi railway station stampede| railway station stampede
New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચતા 18 લોકોના મોત થયા છે. (Photo: Social Media)

New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસભાગ થતા 18 લોકોના મોત થયા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આ ઘટનાથી બધા શોકમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. અકસ્માતનું આ દ્રશ્ય હૃદયદ્રાવક હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં નવ મહિલાઓ, ચાર પુરુષ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાનું કારણ વહીવટી બેદરકારી અને ભીડ વ્યવસ્થાપનની ક્ષતિ હોવાનું કહેવાય છે.

ભીડના સંચાલનમાં થયેલી ક્ષતિથી મોત કેવી રીતે થયું?

શનિવારે રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં જનારા યાત્રીઓની ભંયકર ભીડ સ્ટેશન પર એકઠી થઈ ગઈ હતી. રેલવે વહીવટીતંત્ર દર કલાકે 1500 જેટલી જનરલ ટિકિટ વેચી હતી, પરંતુ મુસાફરોના એન્ટ્રી પોઇન્ટ પર કોઈ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. પ્લેટફોર્મ નંબર 12, 13, 14 અને 15 પર સ્થિતિ એટલી ખરાબ હતી કે દરેક જગ્યાએ ભીડ જામી હતી. ટ્રેનના જનરલ કોચમાં મર્યાદિત જગ્યા હોવા છતાં અનેક ગણી ટ્રેન ટિકિટોનું વેચાણ થતું હતું. જેના કારણે રેલવે પ્લેટફોર્મ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની ભીડ બેકાબુ થઇ ગઇ અને એક નાની ગરબડથી મોટી દુર્ઘટના સર્જાઇ.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, રેલવે પ્લેટફોર્મના પગથિયા પર નાસભાગ શરૂ થઈ હતી. “અમે છપરા જવા માટે સીડી ઉતરી રહ્યા હતા. બધું સામાન્ય હતું, પરંતુ અચાનક ભીડ ઉમટી, મારી માતા પડી ગઈ, અને લોકો તેની ઉપર દોડી ગયા.

ટ્રેનનું પ્લેટફોર્મ બદલવાની જાહેરાતથી નાસભાગ મચી

આ ઘટનાનું મુખ્ય કારણ રેલવે દ્વારા અચાનક પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા યાત્રીઓને જણાવવામાં આવ્યું હતું કે પ્રયાગરાજ જનારી વિશેષ ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પરથી ઉપડશે. પરંતુ જ્યારે ટ્રેન પ્લેટફોર્મ 16 પરથી ઉપડવાની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકો ઝડપથી દોડવા લાગ્યા હતા. પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઇ, લોકો ભાગવા લાગ્યા, આ નાસભાગમાં લોકો નીચે પડ્યા, પગથિયા પર કચડાઈ ગયા, એકની ઉપર એક પડી ગયા.

પ્રત્યક્ષદર્શીઓની દર્દનાક જુબાની

ભારતીય વાયુસેનાના સાર્જન્ટ અજિતે કહ્યું કે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ પોલીસ કે રેલવે કર્મચારી હાજર નહોતા. તેઓએ મદદ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ ટોળું એટલું મોટું હતું કે કોઈને રોકવું અશક્ય હતું.

ટિકિટ વગરના મુસાફરોનો હોબાળો

એક મોટી સમસ્યા એ હતી કે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ટિકિટ વગરના મુસાફરો આવ્યા હતા. કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જનરલ બોગી અને એસી કોચ પણ ખચોખચ ભરાઇ થઈ ગયા હતા. એન્ટ્રી પોઈન્ટ પર કોઈ સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ટિકિટ વગરના મુસાફરોને સ્ટેશન પર પ્રવેશવામાં સરળતા રહેતી હતી. પ્લેટફોર્મ ટિકિટ ઉપલબ્ધ ન હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

રેલવે વિભાગની ઘોર બેદરકારી

રેલવે વિભાગે શરૂઆતમાં તેને “અફવાઓને કારણે નાસભાગ” ગણાવી હતી, પરંતુ બાદમાં સ્વીકાર્યું હતું કે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ આરોપ લગાવ્યો હતો કે રેલ્વે વિભાગના ગેરવહીવટને કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.

આ ઘટના દર્શાવે છે કે ભીડ વ્યવસ્થાપન અને આપત્તિ નિયંત્રણને હળવાશથી લેવું જીવલેણ હોઈ શકે છે. જો પ્લેટફોર્મ બદલવાની જાહેરાતો વિચારપૂર્વક કરવામાં આવી હોત અને એન્ટ્રી પોઇન્ટ પર ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હોત, તો કદાચ ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. આ ઘટનાએ અનેક પરિવારોના સપનાને ચકનાચૂર કરી દીધા છે, અને આશા છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.

Web Title: New delhi railway station stampede deaths no ticket checking mismanagement mahakumbh 2025 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×