Nautapa 2025 Date: દર વર્ષે જેઠ મહિનામાં ઉનાળો ચરમસીમા પર હોય છે, ત્યારે એક ખાસ સમયગાળો આવે છે તેને નૌતપા કહેવાય છે. નૌતપા 9 દિવસનો સમયગાળો છે જ્યારે પૃથ્વી પર સૂર્યની અસહ્ય ગરમી પડે છે અને ઘણી જગ્યાએ તાપમાનના રેકોર્ડ તુટી જાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે નૌતપા 25 મેથી શરૂ થશે અને 8 જૂન સુધી ચાલશે. જો કે 15 દિવસ દરમિયાન ગરમી તીવ્ર હોય છે, પરંતુ પ્રથમ 9 દિવસ બહુ ગરમ હોય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ નૌતપા સાથે જોડાયેલી કેટલીક વાતો અને સૂર્યની ગરમીથી બચવાના ઉપાયો.
What Is Nautapa ? નૌતપા શું છે?
નૌતપા એટલે કે નવ દિવસની ગરમીની શરૂઆત ત્યારે થાય છે જ્યારે સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ વર્ષે સૂર્ય 25 મેના રોજ સવારે 3.27 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેમાં 15 દિવસ રહેશે. તે પછી 8 જૂને સૂર્ય મૃગશીરા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે નૌતપા સમાપ્ત થશે. તમને જણાવી દઇયે કે, રોહિણી નક્ષત્રમાં સૂર્યનાં કિરણો પૃથ્વી પર તીવ્ર ગતિમાં સીધા પડે છે. આથી આ સમયગાળા દરમિયાન કાળઝાળ ગરમી પડે છે.
નૌતપા અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચે સંબંધ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોય છે, ત્યારે તાપમાન અતિશય વધી જાય છે. આનું કારણ એ છે કે રોહિણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે અને શુક્ર ગ્રહને સૂર્યનો દુશ્મન માનવામાં આવે છે. જ્યારે આ બંને એકસાથે આવે છે, ત્યારે સૂર્યની ઊર્જા વધુ અસરકારક બને છે. એવું પણ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હોય છે, જેના કારણે ગરમી ચરમસીમા પર હોય છે.
નૌતપામાં શું કરવું અને શું ન કરવું?
- દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવો અને ‘ઓમ સૂર્યાય નમ:’ મંત્રનો જાપ કરો. તેનાથી શરીરમાં ઉર્જા રહે છે અને માનસિક શાંતિ મળે છે.
- આ સમય દરમિયાન, આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરો. તેનાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પાસે કોઈ વસ્તુ માંગવા આવે છે, તો તેને ખાલી હાથે ન જવા દો. તમારી ક્ષમતા અનુસાર પાણી, ફળ અથવા અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરો.
- નૌતપા દરમિયાન પસાર થતા લોકોને પાણી આપવું અથવા પાણી પીવું ખૂબ જ ગુણકારી છે. તે માત્ર ધર્મ જ નથી, માનવતા છે.
- આ દિવસોમાં લસણ, રીંગણ, માંસાહારી ભોજન જેવી ગરમ વસ્તુ ખાવાનું ટાળો. પુષ્કળ પાણી, ફળો અને ઠંડા પીણા પીવો.
નૌતપામાં આ વસ્તુઓનું દાન કરો
શાસ્ત્રો અનુસાર જેઠ મહિનામાં કરવામાં આવેલા દાનને મહાન દાન માનવામાં આવે છે. નૌતપામાં આ વસ્તુઓનું દાન કરી શકો છો. મોસમી ફળો (જેમ કે તરબૂચ, કાકડી, કેરી), સત્તુ અથવા ચણાનો લોટ, છત્રી, માટીનો ઘડો, સુતરાઉ કાપડ અથવા પંખો. એવું માનવામાં આવે છે કે આ માત્ર જરૂરિયાતમંદોને જ મદદ નથી કરતું, પરંતુ તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિને પણ મજબૂત બનાવે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.