National Unity Day 2024: ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ છે, જેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે ભારતની આઝાદીની લડત અને દેશના એકીકરણ માટેના સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ દિવસ દેશભરની વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓ વચ્ચે એકતા, અખંડિતતા અને એકતાના મહત્વ પર ભાર મુકે છે. પ્રાદેશિક, ભાષાકીય અને ધાર્મિક મતભેદોથી પર રહીને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવાની જરૂરિયાત પર આ દિવસ ભાર મૂકે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ ઇતિહાસ
2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર ભારતને અખંડ રાખવા માટે તેમના અસાધારણ કાર્ય માટે શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે 2014માં નવી દિલ્હીમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી.
આ પણ વાંચો – વિશ્વ બચત દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
આ દિવસે લોકો સરદાર પટેલના મહાન કાર્યોને યાદ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરે છે. દેશના વિવિધ ભાગોમાં વિવિધ કાર્યક્રમો, વેબિનાર અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ મહત્વ
રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાની દિશામાં આપણા રાષ્ટ્રની આંતરિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પૃષ્ટી કરવાની તક પૂરી પાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ભારત સરકારે ગુજરાતમાં નર્મદા નદી પાસે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કર્યું છે, જે ભારતમાં એકતાની તાકાતનું પ્રતીક છે. ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતાને ઉત્થાન આપવાનો અને ભારતીય ઈતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈ (મહારાષ્ટ્ર)માં થયું હતું. વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.