National Space Day 2024 date : ભારતમાં 23 ઓગસ્ટના રોજ પ્રથમ નેશનલ સ્પેસ દિવસ મનાવવામાં આવશે. આ દિવસ ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલો છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગની સિદ્ધિને યાદ કરીને આ દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતા બાદ હવે 23 ઓગસ્ટને સત્તાવાર રીતે સ્પેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કેમ મનાવવામાં આવે છે
ચંદ્રયાન-3 મિશન ISROનું મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન હતું. આ મિશન દ્વારા ભારતે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારા દુનિયાના ખાસ દેશોમાં સામેલ થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ચંદ્રયાન-3માં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યું અને ઘણા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા.
23 ઓગસ્ટ 2023ના રોજ ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. આ મિશન પૂર્ણ થતા જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો. આ સાથે, તે દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ એક લાગણીસભર ક્ષણ હતી. લોકોએ આ પળને ટીવી પર લાઈવ જોઈ અને ઘણાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ભારતના લોકોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. આવતીકાલે આપણે આ સિદ્ધિને એક વર્ષ પૂર્ણ કરીશું.
આ પણ વાંચો – ઇસરો ચીફની મોટી જાહેરાત, ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 5 માટે ડિઝાઇન તૈયાર, જાણો ક્યારે થશે લોન્ચ
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ
પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ ‘Touching Lives while Touching the Moon: India’s Space Saga’ છે. જેનો અર્થ છે કે ચન્દ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શવું: ભારતની અંતરિક્ષ ગાથા.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મહત્વ
જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આપણે આપણી સિદ્ધિઓ ભૂલી જઈએ છીએ. તેમને યાદ કરવા અને તેમનું મહત્વ સમજાવવા માટે એક ખાસ દિવસનું નામ આપવામાં આવે છે, જેથી આવનારી પેઢીઓ જ્યારે તે દિવસ વિશે વાંચે ત્યારે તેઓને તે સિદ્ધિ યાદ રહે અને તેના વિશે માહિતી મળે.
સ્પેસ ડે ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને અંતરિક્ષનું જ્ઞાન આપવાનો છે. તેમજ તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રેરિત કરવા પડશે, જેથી ભાવિ પેઢી આ વિશેષ સિદ્ધિ પાછળનું કારણ યાદ રાખી શકે અને જાણી શકે.