Mumbai Rain Thunderstorm : સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતાં 14 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 50થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઊંચું ગેરકાયદે હોર્ડિંગ પડ્યું
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળની ડમરીઓ અને વરસાદ દરમિયાન પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઊંચું ગેરકાયદે હોર્ડિંગ પડતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને હોર્ડિંગ નીચે દટાયેલા લોકોને બચાવ્યા. ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, કુલ 88 લોકોને હોર્ડિંગની નીચેથી બચાવી લેવામાં આવ્યા છે. 43 હજુ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 31ને રજા આપવામાં આવી છે.
ટ્રેન સેવાને અસર
સોમવારે ભારે પવન અને વરસાદને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓને અસર થઈ હતી. મેટ્રો રેલના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વીજળીના તાર પર બેનર પડતાં આરે અને અંધેરી ઇસ્ટ મેટ્રો સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે થાણે અને મુલુંડ સ્ટેશનો વચ્ચેનો થાંભલો ભારે પવનને કારણે ઝૂક્યો હોવાથી મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓને અસર થઈ હતી.
આ પણ વાંચો – ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, સિદ્ધપુરમાં કરા પડ્યા
ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી
મુંબઈમાં કમોસમી વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ અને વિક્રોલીમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ તોફાની પવન સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં પણ ભારે પવન અને વરસાદ
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો દેખાયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. બનાસકાંઠા, શામળાજી, વલસાડ સહિત પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠતાં આકાશ ધૂળીયું બન્યું હતું. આજે વલસાડ, કપરાડા સહિતના વિસ્તારમાં કરા પડ્યા છે,તો ભાવનગર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.