Lahore Blast: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. ત્યાર બાદ આજે 8 મે 2025 ગુરુવારે સવારે લાહોરમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના પગલે પાડોશી દેશમાં ગભરાટનું વાતાવરણ છે.
વિસ્ફોટના અવાજ પછી લાહોરમાં સાયરન વાગવા લાગ્યા અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. આ વિસ્તાર લાહોરના પોશ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને લાહોર આર્મી કેન્ટોનમેન્ટને અડીને આવેલો છે. સ્થાનિક અહેવાલો અનુસાર સિયાલકોટ, કરાચી અને લાહોર એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનનું કહેવું છે કે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં તેના ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા છે અને 50 ઘાયલ થયા છે, જ્યારે ભારતે કહ્યું છે કે પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા છે અને 43 ઘાયલ થયા છે.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનમાં નવ સ્થળોએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો
બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતના ઘણા શહેરોમાં, ખાસ કરીને સરહદી રાજ્યોના વિસ્તારોમાં, સતત મોક ડ્રીલ કરવામાં આવી રહી છે અને ઘણી જગ્યાએ બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના અમૃતસરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું.
પાકિસ્તાને ફરી એકવાર ધમકી આપી છે કે તે ભારતના હુમલાનો જવાબ આપશે પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ સામે હવાઈ હુમલો કર્યો છે.
પાકિસ્તાનના પંજાબમાં વહીવટીતંત્ર, સેના અને તમામ સરકારી વિભાગો હાઈ એલર્ટ પર છે. વિશ્વભરના ઘણા દેશોએ ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને આશા છે કે બંને દેશો આ મુદ્દાનો ઉકેલ લાવશે અને જો તેમની મદદની જરૂર પડશે તો તેઓ તેના માટે તૈયાર છે.