scorecardresearch
Premium

GBS Case: 12ના મોત, 15 લોકો વેન્ટિલેટર પર, મહારાષ્ટ્રમાં જીબી સિન્ડ્રોમનો કહેર, જાણો કેવી રીતે બચવું

Guillain Barre Syndrome Case In Pune: મહારાષ્ટ્રના પુનામાં ગુલેઇન બેરે સિન્ડ્રોમની બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. આ બીમારીથી સાજા થવામાં વર્ષ જેટલો સમય લાગે છે. જાણો GBS બીમારી શું છે, કેવી રીતે ફેલાય છે અને બચાવ અને સારવાર વિશે અહીં જાણો

Guillain Barre Syndrome | GBS | GB Syndrome
Guillain Barre Syndrome: ગુલેઇન બેરે સિન્ડ્રોમ વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. (Photo: Freepik)

Guillain Barre Syndrome Case In Pune: મહારાષ્ટ્રમાં ગુલેઇન બેરે સિન્ડ્રોમ (જીબીએસ)ના 225 કેસ નોંધાયા છે, જેમાંથી 197ની પુષ્ટિ થઈ છે અને 28 શંકાસ્પદ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 12 લોકોના મોત થયા છે. જેમાંથી 6ની પુષ્ટિ થઈ છે અને 6 શંકાસ્પદ છે. નોંધાયેલા કેસોમાંથી 179 દર્દીઓ સાજા થયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જો કે 24 વ્યક્તિઓ ઇન્ટેન્સિવ કેરમાં છે, જેમાંથી 15 વેન્ટિલેટર પર છે. 9 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ગિલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ) નો પ્રથમ કેસ નોંધાયો હતો.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે કોર્પોરેશન ગામો, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાના છે. આ વિસ્તારોમાંથી 7262 જેટલા પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. 144 જળસ્ત્રોતોમાં સંક્રમણ નોંધાયું છે.

વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં 89,699 ઘરોની પણ મુલાકાત લીધી છે. તેમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46,534, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) માં 29,209 અને પુણે ગ્રામીણમાં 13,956 ઘરોનો સમાવેશ થાય છે. જીબીએસનો કોઈ કેસ જોવા મળે તો તેની જાણકારી આપવા માટે ખાનગી ક્લિનિક્સને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ગુલેઇન બેર સિન્ડ્રોમ (GBS) શું છે?

ગુલેઇન બેરે સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન કન્ડિશન છે. આ એક દુર્લભ સિન્ડ્રોમ છે. આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ તરફ દોરી જાય છે. આપણી રોગપ્રતિકારક શક્તિ આપણી પોતાની નવર્સ સિસ્ટમ પર હુમલો કરે છે. તેના કારણે હાથ-પગ અચાનક નબળા પડી જાય છે. ઉઠવું બેસવું મુશ્કેલ બની જાય છે. જીબીએસ સામાન્ય રીતે દવાનો ઇલાજ કરવાથી સારી થાય છે. 2-3 અઠવાડિયામાં દર્દી ટેકા લીધા વગર ચાલવા લાગે છે. જીબીએસના મોટાભાગના કિસ્સાઓમાં, દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં શારીરિક નબળાઇ ચાલુ રહે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે સમગ્ર વિશ્વમાં લગભગ એક લાખ કેસ સામે આવે છે. મોટાભાગના દર્દીઓ પુરુષો હોય છે.

જીબીએસની સારવાર મોંઘી, 1 ઇન્જેક્શન 20 હજારનું

ગુલેઇન બેરે સિન્ડ્રોમની સારવાર ખર્ચાળ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દર્દીઓને સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન (આઇવીઆઇજી) ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ઈન્જેક્શનની કિંમત 20 હજાર રૂપિયા છે. પુણેની એક હોસ્પિટલમાં દાખલ 68 વર્ષીય દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના દર્દીને સારવાર દરમિયાન 13 ઇન્જેક્શન આપવા પડ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જીબીએસવાળા 80 ટકા દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી 6 મહિનામાં કોઈ પણ આધાર વિના ચાલવાનું શરૂ કરી દે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, દર્દીને એક વર્ષ કે તેથી વધુ સમય લાગે છે.

રેપિડ એક્શન ફોર્સ તૈનાત

જિલ્લામાં આ વાયરસની સ્થિતિ જાણવાના પ્રયાસો ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે રાજ્ય કક્ષાની રેપિડ એકશન ટીમ તાત્કાલિક મોકલવામાં આવી છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) અને પુણે ગ્રામીણના અધિકારીઓને સર્વેલન્સ પ્રવૃત્તિઓને મજબૂત બનાવવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં પીવાના પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે.

144 પ્રદૂષિત પાણીના નમૂના

શહેરના વિવિધ વિસ્તારોમાંથી 7,262 જેટલા પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 144 પાણીમાં પ્રદૂષણ જોવા મળ્યું છે. તેને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જનજાગૃતિ વધે તે માટે સઘન આરોગ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. સરકારે ખાનગી તબીબોને લોકોની મદદ કરવા અપીલ કરી છે. તેમને અપીલ પણ કરવામાં આવી છે કે જો તેમને વાયરસ વિશે માહિતી મળે તો તેઓ તાત્કાલિક જાહેર આરોગ્ય અધિકારીઓને જાણ કરે.

90,000 ગામોનું નિરીક્ષણ

મેડિકલ ટીમો ઘણા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 90 હજાર ઘરોની તપાસ કરવામાં આવી છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46,534, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) માં 29,209 અને પુણે ગ્રામીણના 13,956 મકાનોની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન, 82 સીરમ નમૂનાઓને એન્ટિગેંગિયોસાઇડ એન્ટિબોડી પરીક્ષણ માટે બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ (નિમ્હન્સ) માં મોકલવામાં આવ્યા છે. તેનાથી આ રોગને સમજવામાં મદદ મળશે.

તબીબી સેવા જરૂરી

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓ સમયસર તબીબી સંભાળ લીધા પછી સ્વસ્થ થઈ જાય છે. પરંતુ ગંભીર કેસોમાં લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું અને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી શકે છે. રાજ્ય સરકારે સર્વેલન્સના પ્રયાસો તેજ કર્યા છે. અસરગ્રસ્ત દર્દીઓ માટે પૂરતી સારવાર અને સંસાધનોની ખાતરી કરવા માટે સરકાર હોસ્પિટલો સાથે સંકલન કરી રહી છે. આરોગ્ય વિભાગે આ રોગચાળાને રોકવા અને વધુ ફેલાતા અટકાવવા માટે અનેક પગલાં અમલમાં મૂક્યા છે.

Web Title: Maharashtra pune guillain barre syndrome gbs virus cases death rises as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×