scorecardresearch
Premium

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: સીએમની ખુરશી પર ફડણવીસનો દાવો મજબૂત, શું એકનાથ શિંદે થશે સહમત?

maharashtra next cm : આ પરિણામો બાદ દરેકના મનમાં એક સવાલ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? કોઈ પણ પ્રકારના જૂથવાદથી બચવા માટે મહાયુતિએ કોઈ પણ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો ન હતો

devendra fadnavis, eknath shinde
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી ફડણવીસ (Express photo by Narendra Vaskar)

Maharashtra Election Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય વિશ્લેષકે આવા પરિણામની અપેક્ષા રાખી ન હતી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રની અંદર જે પ્રકારનો માહોલ હતો તે પછી માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ અને મહાયુતિ માટે વિધાનસભા ચૂંટણી જીતવી સરળ નહીં હોય. લોકસભા ચૂંટણી બાદ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ જીતના મોટા મોટા દાવા કર્યા હતા અને વિધાનસભા ચૂંટણીમાં જોરદાર ટક્કરની આશા હતી પરંતુ આવું કંઇ થયું નથી.

ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સુનામી આવી છે. તેમાં પણ ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને તે મોટી જીત તરફ આગળ વધી રહી છે. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ એમવીએને લગભગ ધ્વસ્ત કરી દીધી છે. બીજી તરફ એમવીએએ ચૂંટણી પરિણામોને સ્વીકારવાનો સદંતર ઇન્કાર કરી દીધો છે પરંતુ લોકશાહીમાં જનતાનો ચુકાદો સૌથી મોટો હોય છે અને તેનો સ્વીકાર કરવો પડે છે.

મહાયુતિએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો

આ પરિણામો બાદ દરેકના મનમાં એક સવાલ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપ હવે મુખ્યમંત્રીની ખુરશી પર મક્કમતાથી પોતાનો દાવો રજૂ કરશે તે નક્કી છે. કોઈ પણ પ્રકારના જૂથવાદથી બચવા માટે મહાયુતિએ કોઈ પણ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો ન હતો.

મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપ રાજ્યના રાજકારણમાં પોતાના સૌથી મોટો ચહેરા દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્યમંત્રી બનવાની તક આપશે અને આ વખતે તે કોઈ રાજકીય સમાધાન કરશે નહીં. પરંતુ સવાલ એ છે કે શું એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર થશે?

શિંદેના બળવા બાદ સરકાર પડી ગઇ હતી

2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ્યારે અવિભાજિત શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી પર દાવો રજૂ કર્યો ત્યારે ભાજપ અને શિવસેના આમને સામને આવી ગયા હતા. આ પછી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને અવિભાજિત એનસીપી સાથે મળીને એમવીએ સરકાર બનાવી હતી. પરંતુ જૂન 2022માં એકનાથ શિંદેના બળવા બાદ આ સરકાર પડી ભાંગી હતી.

આ પણ વાંચો – સંજય રાઉતે કહ્યું – આ જનતાનો નિર્ણય નથી, લોકો ગદ્દારી કેવી રીતે સ્વીકારી શકે

ત્યારબાદ ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાએ હાથ મિલાવીને રાજ્યમાં નવી સરકાર બનાવી હતી. વધુ ધારાસભ્યો હોવા છતાં ભાજપે મોટું રાજકીય સમાધાન કરી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા જ્યારે ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ફડણવીસ 2014માં ભાજપ-શિવસેનાની સરકારમાં 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તેમણે એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું સ્વીકાર્યું હતું.

હવે જ્યારે ભાજપે સાબિત કરી દીધું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં તેનું વર્ચસ્વ અકબંધ છે, ત્યારે મહારાષ્ટ્રના સીએમની ખુરશી માટે ભાજપ પીછેહઠ નહીં કરે અને દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બની શકે તેવી પ્રચંડ શક્યતા છે.

Web Title: Maharashtra assembly election result 2024 next maharashtra cm devendra fadnavis eknath shinde ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×