scorecardresearch
Premium

કેવી રીતે થાય છે લોકસભા સ્પીકરની પસંદગી? છેલ્લી વખત ક્યારે થઇ હતી ચૂંટણી

Lok Sabha Speaker Election : લોકસભા સ્પીકર માટે એનડીએએ ઓમ બિરલાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને થશે

lok sabha speaker, om birla, k suresh
લોકસભા સ્પીકર માટે એનડીએએ ઓમ બિરલાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે (તસવીર – સોશિયલ મીડિયા)

Lok Sabha Speaker Election : લોકસભા સ્પીકર માટે એનડીએએ ઓમ બિરલાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને થશે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે 1952 પછી પહેલીવાર સ્પીકરની ચૂંટણી થવા જઈ રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રક્ષા મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તમે અમારા સ્પીકરનું સમર્થન કરો. સમગ્ર વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરને સમર્થન આપીશું પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ. રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને રિટર્ન ફોન કરશે. પરંતુ તેમનો કોલ હજુ સુધી આવ્યો નથી. પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે સહયોગ થાય પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સરકારની નિયતી સ્પષ્ટ નથી.

બંધારણની કલમ 93માં સ્પીકરનો ઉલ્લેખ છે. નવી લોકસભાની રચના પછી જ આ પદ ખાલી થાય છે. નવા ચૂંટાયેલા સાંસદોને શપથ અપાવવા માટે રાષ્ટ્રપતિ પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકસભાના સ્પીકરની પસંદગી માત્ર બહુમતના આધાર પર કરવામાં આવે છે. જેને કુલ સભ્યોની સંખ્યામાં વધુ મત મળે છે તેને સ્પીકરની ખુરશી મળે છે.

છેલ્લી ચૂંટણી ક્યારે થઈ હતી?

15 મે 1952ના રોજ લોકસભાના પ્રથમ સ્પીકર ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં સત્તાક પક્ષના ઉમેદવાર ગણેશ વાસુદેવ માવળંકર હતા. તેમની સામે શંકર શાંતરામ મોરે હતા. માવળંકરની તરફેણમાં 394 મત પડ્યા હતા, જ્યારે તેમની વિરુદ્ધમાં 55 મત પડ્યા હતા. આ રીતે માવળંકર દેશના પ્રથમ લોકસભા અધ્યક્ષ બન્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આઝાદી પહેલાની વાત કરીએ તો તે પહેલા 1925માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના નીચલા ગૃહના સ્પીકર ચૂંટવા માટે ચૂંટણી થઈ હતી. 1925થી 1946 સુધી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના સ્પીકર 6 વખત ચૂંટાયા હતા.

કોણ છે કે. સુરેશ?

કે.સુરેશની વાત કરીએ તો તેઓ કોંગ્રેસ પાર્ટીના સાંસદ છે અને 8મી વખત જીતીને લોકસભામાં પહોંચ્યા છે. કે.સુરેશ કેરળમાં કોંગ્રેસના દલિત ચહેરા તરીકે ઓળખાય છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ આઠમી વખત માવેલીક્કારા બેઠક પરથી જીત્યા છે. તેઓ અગાઉ ચાર વખત આ બેઠક અને અગાઉના અદૂર મતવિસ્તારનું ચાર વખત પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો – 18મી લોકસભાના પ્રથમ સત્રમાં પીએમ મોદીએ લીધા શપથ, કહ્યું – આ ગૌરવનો દિવસ છે

કે. સુરેશ પહેલીવાર 1989માં લોકસભા માટે ચૂંટાયા હતા અને 2009થી સતત માવેલીક્કારા બેઠક જીતી રહ્યા છે. 2009માં તેમને વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બનાવ્યા હતા. લોકસભા ચૂંટણી 2024માં કે. સુરેશે સીપીઆઈના યુવા ઉમેદવાર અરુણ કુમારને 10 હજાર વોટથી હરાવ્યા હતા.

કોણ છે ઓમ બિરલા?

ઓમ બિરલા ભાજપના સાંસદ છે. તે ત્રીજી વખત રાજસ્થાનના કોટાથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. ઓમ બિરલા આ પહેલા 17મી લોકસભામાં પણ અધ્યક્ષ રહ્યા હતા.

સ્પીકર પદ માટે એનડીએ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધન

ઓમ બિરલાએ લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ગત સત્રમાં તેઓ લોકસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા. આ વખતે જ્યારે તેમને નોમિનેટ કરવામાં આવ્યા ત્યારે એનડીએની પાર્ટી તેમના સમર્થનમાં એકસાથે દેખાઇ હતી. ઓમ બિરલાના પક્ષમાં પ્રસ્તાવ પત્ર પર હસ્તાક્ષર દરમિયાન અમિત શાહ, જેપી નડ્ડા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી, અનુપ્રિયા પટેલ સહિત એનડીએના તમામ દિગ્ગજો હાજર રહ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિપક્ષ તરફથી સ્પીકર ઉમેદવાર કે સુરેશનું નામાંકન સંભાળ્યું હતું. આ પ્રસંગે ડી રાજા પણ હાજર રહ્યા હતા.

વિરોધ પક્ષોએ આ માટે દાવેદારી રજુ કરી

લોકસભા અધ્યક્ષને લઇને વિપક્ષી પાર્ટીઓએ પોતાની ઉમેદવારીનો નિર્ણય એમ જ લીધો નથી. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ લોકસભાનું ચિત્ર 2014 અને 2019થી થોડું અલગ છે. આ વખતે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા મજબૂત બનીને ઉભરી આવ્યું છે.

ભાજપના નેતૃત્વવાળા એનડીએના 293 સાંસદોએ જીત મેળવી છે. જ્યારે વિપક્ષ પાસે 234 સાંસદોનો આંકડો છે. અત્યાર સુધી સ્પીકરનું પદ સત્તાધારી પક્ષને આપવામાં આવતું હતું. જોકે વિપક્ષની સહમતી રહેતી હતી. ડેપ્યુટી સ્પીકર વિપક્ષ તરફથી રહેતું હતું. જોકે આ વખતે સરકાર તેના માટે તૈયાર ન હતી. અહીં પેંચ ફસાયો હતો.

Web Title: Lok sabha speaker election om birla vs k suresh india nda alliance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×