સુનિતા વિલિયમ્સ રિટર્ન ટુ અર્થ : અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા સાથે જોડાયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સુનિતા વિલિયમ્સના પિતા ડો.દિપક પંડ્યા ઝુલાસણ ગામના વતની છે. તેઓએ બાળપણ ગામમાં વિતાવ્યું હતું અને બાદમાં અમેરિકા સ્થાયી થયા હતા. અહીં તેમણે સ્લોવેનિયન બોની જાલોકર સાથે લગ્ન કર્યા હતા.
સુનિતા વિલિયમ્સ પરિવાર વિશે જાણીએ તો સુનિતાનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં થયો હતો. પિતાનું નામ ડો.દિપક પંડ્યા અને માતાનું નામ બોની પંડ્યા છે. સુનિતા વિલિયમ્સના ભાઈનું નામ જય થોમસ પંડ્યા અને મોટી બહેનનું નામ ડાયના પંડ્યા છે. સુનિતા પંડ્યાએ માઇકલ જે વિલિયમ્સ સાથે લગ્ન કર્યા અને તેઓ સુનિતા વિલિયમ્સ બન્યા.
સુનિતા વિલિયમેસ કરિયર વિશે વાત કરીએ તો તેણીએ મૈસાયુસેટ્સથી હાઇસ્કૂલ પાસ કર્યા બાદ 1987 માં સંયુક્ત રાષ્ટ્રની નૌસૈનિત એકેડેમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બીએસ કર્યું. ત્યાર બાદ ફ્લોરિડા સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી એંજિનિયરીંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું અને જૂન 1998 માં તેઓ નાસા સાથે જોડાયા હતા.
સુનિતા વિલિયમ્સ રિટર્ન ટુ અર્થ મિશન લાઇવ અપડેટ્સ જાણો
સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા પછી બીજા ભારતીય મૂળના મહિલા અંતરિક્ષયાત્રી છે જેઓ અમેરિકી અંતરિક્ષ મિશન પર ગયા. તેણીએ અંતરિક્ષમાં 322 દિવસ વિતાવી ઐતિહાસિક વિક્રમ બનાવ્યો. તેણીએ નાસાના બે અંતરિક્ષ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા અને ત્રીજા મિશન બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષ યાન પરિક્ષણ મિશનના પાયલટ પ્રોજેક્ટ માટે 5 જૂન 2024 ના રોજ માત્ર 8 દિવસ માટે અંતરિક્ષ ગયા હતા.
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) ગયા હતા. પરંતુ સ્પેસક્રાફ્ટમાં હીલિયમ લીક થવાને લીધે નિર્ધારિત 13 જૂને પરત ફરવું મુશ્કેલ બન્યું હતું. નાસા અને એલોન મસ્ક ની સ્પેસએક્સ સંસ્થા દ્વારા તેમને પરત લાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. છેવટે રિટર્ન ટુ અર્થ નાસા સ્પેસએક્સ ક્રૂ-9 મિશન અંતર્ગત તેઓ મંગળવારે અંતરિક્ષથી ધરતી પરત ફર્યા છે.
સુનિતા વિલિયમ્સ રિટર્ન ટુ અર્થ – Sunita Williams Return to Earth Live
સુનિતા વિલિયમ્સ વિશે જાણવા જેવું ખાસ
- ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની છે.
- સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં અમેરિકા સ્થિત ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં થયો હતો
- સુનિતા વિલિયમ્સના પિતા ડો.દિપક પંડ્યાનું બાળપણ ઝુલાસણ ગામે વીત્યું હતું. બાદમાં તેઓ અમેરિકાના બોસ્ટનમાં સ્થાયી થયા.
- સુનિતા વિલિયમ્સે મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે સૌથી વધુ દિવસ અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો
- ભારત સરકાર દ્વારા સુનિતા વિલિયમ્સને વર્ષ 2008 માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા
- નાસાના મહત્વપૂર્ણ બે અંતરિક્ષ મિશન સફળતા પૂર્વક પાર કરનાર સુનિતા વિલિયમ્સ ત્રીજા મિશન તરીકે 5 જૂને અંતરિક્ષ ગયા હતા
- નાસા અને સ્પેસએક્સના આ મિશન અંતર્ગત સુનિતા 8 દિવસ બાદ 13 જૂને ધરતી પર પરત ફરવાના હતા
- સ્પેસક્રાફ્ટમાં હીલિયમ લીક થવાની ખામી સર્જાતાં તેઓનું ધરતી પર પરત ફરવું મુશ્કેલ બન્યું હતું.
હે મા સુનિતાની રક્ષા કરશો

સુનિતા વિલિયમ્સ હેમખેમ ધરતી પર પરત ફરે એ માટે પૈતૃક ગામ ઝુલાસણમાં પ્રાર્થના, યજ્ઞ અને શુભેચ્છાઓનો સાગર ઉમટ્યો છે. ગામલોકો ગામની દિકરીની સુરક્ષા માટે ગામના કુળદેવી સમા દોલા માતા સમક્ષ આજીજી કરી રહ્યા છે.