kerala Wayanad floods and landslides : કેરળના વાયનાડમાં વરસાદના કારણે સર્જાયેલી તબાહીને કારણે અત્યાર સુધીમાં 174થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ગુમ છે. એક પછી એક મૃતદેહ મળી રહ્યા છે. ઘરોમાંથી બહાર નીકળવાનો રસ્તા બંધ થઈ ગયા છે. લોકો પોતાના પ્રિયજનોની શોધમાં ભટકી રહ્યા છે અને હોસ્પિટલ પહોંચતા દરેક મૃતદેહની ઓળખ કરી રહ્યા છે.
કેરળમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો તરફ જતો મહત્વનો માર્ગ પાણીમાં ધોવાઈ જતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. NDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બચાવ ટુકડીઓ મોકલી, પરંતુ સ્થિતિ વધુ વણસી અને મૃત્યુઆંક વધતો ગયો.
આજે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિસ્તારની મુલાકાત લેવાના હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેમનો પ્રવાળ ટાળવામાં આવ્યો હોવાની માહિુતી મળી રહી છે. હાલમાં હવામાન વિભાગે વાયનાડ સહિત કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
જીવ બચાવી નીકળી છૂટેલા લોકો શું કહે છે?
દુર્ઘટના કેટલી ખતરનાક હતી તેનો અંદાજ વાયનાડના લોકોની વાતચીત પરથી લગાવી શકાય છે. તેઓ કહે છે કે, એક જ રાતમાં ત્રણ ભૂસ્ખલનને કારણે એવું લાગ્યું કે જાણે મોત આવી ગયુ. બચી ગયેલા મોહમ્મદનું કહેવું છે કે, બચાવ ટુકડીઓ ઘણા કલાકો પછી પહોંચી કારણ કે આ વિસ્તાર તરફ જતો એક મોટો પુલ ભૂસ્ખલનમાં ધોવાઈ ગયો હતો.
તેઓ કહે છે કે, ગામના અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ તેમના માટે કંઈ કરી શકાયું નથી. તેણે કહ્યું, “મંગળવારે જ્યારે દિવસ ઊગ્યો ત્યારે અમે જોયું કે, આખું ગામ બરબાદ થઈ ગયું હતું. “ઘણા પરિવારોના ઘર કાટમાળ બની ગયા છે.”
46 વર્ષીય સ્ટીફન એ ને કહ્યું કે, જ્યારે ભૂસ્ખલન પ્રથમ વખત થયું ત્યારે તે તેની પત્ની અને પુત્ર સાથે ત્યાંથી નીકળી ગયો હતો. તેમણે કહ્યું, “રાત્રે લગભગ 1 વાગ્યે અમે જોરદાર અવાજ સાંભળ્યો. હું મારી પત્ની પ્રવિતા અને 15 વર્ષનો પુત્ર એલ્વિન સાથે ઘરની બહાર ભાગી ગયા હતા. અમે બહાર આવ્યા કે તરત જ ઉપરથી આવેલા જોરદાર પ્રવાહે અમારું ઘર તોડી નાખ્યું.
આ પણ વાંચો – Modi 3.0 : આખરે મોદી સરકાર પડી જશે એવી વારંવાર કેમ ચર્ચા થઈ રહી છે?
તેમણે કહ્યું કે, દોડતી વખતે પડી જવાને કારણે તેમની પાંસળી તૂટી ગઈ હતી, પરંતુ તેમની પત્ની અને પુત્રને ઈજા થઈ ન હતી. તેમનું કહેવું છે કે, જ્યારે પહેલીવાર ભૂસ્ખલન થયું અને લોકોને તે હળવું લાગ્યું ત્યારે તેઓ પોતાના ઘરોમાં જ રહ્યા પરંતુ બાદમાં તેમને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો.