Kedarnath Cloud Burst: ઉત્તરાખંડના કેદારનાથમાં બુધવારે મોડી રાતે વાદળ ફાટવાની ઘટના બની હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કેદારનાથમાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે અને 200થી વધુ યાત્રીઓ ફસાયા છે જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે. હકીકતમાં, ઉત્તરાખંડના લિચોલી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે, રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે વાદળ ફાટવાના કારણે મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે.
સૌથી મોટી વાત એ છે કે, વાદળ ફાટ્યા બાદ કેદારનાથમાં પણ ભૂસ્ખલનના સમાચાર આવ્યા છે, પગપાળા માર્ગને પણ નુકસાન પહોંચ્યું છે. આ કારણે ઘણા મુસાફરો ફસાયા છે, જેમને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શરૂઆતના ઇનપુટ્સ સારા સંકેતો આપતા નથી. માનવામાં આવી રહ્યું છે કે કેદારનાથને ફરી એકવાર વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન વેઠવું પડશે.
શાળા બંધ, વરસાદને લઇ રેડ એલર્ટ
ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ વરસાદ સતત ચાલુ છે. તેના કારણે પણ પાણીનું સ્તર વધી રહ્યું છે અને જમીન પરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ તો સરકારે જરૂરી પગલાં લઇ શાળા બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેવાની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના સાત જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં આગામી કેટલાક દિવસ વરસાદથી કોઈ રાહત મળી નથી.
દિલ્હીમાં પાણી પાણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
ઉત્તરાખંડની જેમ દિલ્હીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે. થોડાક કલાકમાં વરસાદે દિલ્હીમાં દરિયા જેવી પરિસ્થિતિ સર્જી છે. ઠેકઠેકાણે પાણી ભરાયા છે, આ ઉપરાંત ફ્લાઈટો પણ ડાયવર્ટ કરવી પડી છે. ઘણા વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.
રાજેન્દ્ર નગરમાં પાણી ફરી ભરાયું
આમ જોવા જઈએ તો એ ચિંતાનો વિષય છે કે આ સમયે દિલ્હીનું ઓલ્ડ રાજેન્દ્ર નગર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં ભોંયરામાં વરસાદનું પાણી ભરાઇ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં. હાલ પંપ લગાવીને પાણી બહાર કાઢવાના પ્રયાસો થઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીને આ વરસાદથી રાહત મળવાની નથી અને 5 ઓગસ્ટ સુધી હવામાનમાં ફેરફાર ચાલુ રહેશે.