Jharkhand Jamtara train accident : ઝારખંડના જામતાડામાં એક ભયાનક અકસ્માત થયો છે. જામતાડામાં કાલાઝરિયા રેલવે સ્ટેશન પર એક ટ્રેન મુસાફરો પર ચડી જતાં ઓછામાં ઓછા બે લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના વિશે માહિતી આપતાં જામતાડાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે જામતાડાનાં કાલાઝરિયા રેલવે સ્ટેશન પર એક ટ્રેનની ટક્કરથી કેટલાક લોકોનાં મોત થયાં હતાં. મોતની સંખ્યાની પૃષ્ટી પછી કરવામાં આવશે. મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ છે.
જામતાડા સબ-ડિવિઝન પોલીસ ઓફિસર (SDPO) એમ રહેમાને પીટીઆઈને જણાવ્યું હતું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાક મુસાફરો રોંગ સાઈડથી ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. બીજી લાઇન પર આવતી એક લોકલ ટ્રેને તેમને ટક્કર મારી હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે.
જામતાડાના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ ANIને જણાવ્યું કે મેં આ માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે નિર્દેશો આપ્યા છે. અમે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશું. જામતાડાના એસડીએમ અનંત કુમારે જણાવ્યું હતું કે બે મૃતદેહો મળી આવ્યા છે. અમે રેલવેને એક હેલ્પલાઈન નંબર જારી કરવા વિનંતી કરી છે. તપાસ બાદ ઘટનાનું કારણ જાણવા મળશે.
આ પણ વાંચો – રોકેટ ભારતનું, મિશન ઇશરોનુ અને ધ્વજ ચીનનો, તમિલનાડુ સરકાર વિવાદમાં ફસાઇ
દુર્ઘટના પર રેલવેએ શું કહ્યું?
જાણકારી અનુસાર રેલવે પ્રશાસન, રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. આ મામલે રેલવેનું નિવેદન આવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર આગ લાગવાની કોઇ ઘટના બની નથી. રેલવેએ જણાવ્યું કે એલાર્મ ચેન ખેંચવાના કારણે ટ્રેન નંબર 12254ને રોકવામાં આવી હતી. ત્યારબાદ અચાનક બે લોકો ટ્રેક પર આવી ગયા જેમને મેમુ ટ્રેને કચડી નાખ્યા હતા. રેલવેનું કહેવું છે કે મૃતકો ટ્રેનના યાત્રીઓ ન હતા.
આ મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી
પૂર્વી રેલવેના સીપીઆરઓ કૌશિક મિત્રાએ જણાવ્યું કે વિદ્યાસાગર કાસિતારથી પસાર થતી ટ્રેન નંબર 12254થી ઓછામાં ઓછા 2 કિમી દૂર ટ્રેક પર ચાલી રહેલા બે વ્યક્તિઓ ટ્રેનની ચપેટમાં આવ્યા હતા. આગ લાગવાની કોઈ ઘટના બની નથી. હાલ બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકો મુસાફરો ન હતા પરંતુ ટ્રેક પર ચાલી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે 3 સભ્યોની જેએજી કમિટીની રચના કરવામાં આવી છે.