Jammu Kashmir Assembly Elections 2024, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 : શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદ આ વખતે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત નેતા છે. એન્જિનિયર રાશિદ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તે સમયે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. મોટી વાત એ છે કે જેલમાં રહીને તેમણે આ ચૂંટણી જીતી હતી. રાશિદ એન્જિનિયરને હાલમાં જ જામીન મળ્યા હતા.
રાશિદની પાર્ટીનું નામ અવામી ઇત્તેહાદ પાર્ટી (એઆઇપી) રાખવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી માટે એઆઈપીએ પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન કર્યું છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં રાશિદ એન્જિનિયરના વિરોધીઓ તેમને ભાજપના એજન્ટ અને દિલ્હીનો માણસ કહે છે અને તેમના પર એ આરોપ લગાવવામાં આવે છે કે તે ચૂંટણીમાં વોટનું વિભાજન કરવા માટે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.
રાશિદે સાડા પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં એન્જિનિયર રાશિદે તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. એન્જિનિયર રાશિદ સાડા પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં જે તફાવત દેખાય છે તે અંગેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે કલમ 370 નાબૂદ થયા બાદ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે અને આવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાશ્મીરના વચનને કારણે નહીં પરંતુ લોકોને લાગે છે કે તેમને દબાવી દેવામાં આવ્યા છે.
રાશિદ કહે છે કે તિહાડ જેલમાં બે ડઝનથી વધુ યુવાનો એવા હતા જેમને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કેસ દાખલ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને તેથી કાશ્મીરના લોકો ચૂંટણી દ્વારા પોતાનો ગુસ્સો બતાવવા માંગે છે.
કાશ્મીર મુદ્દાનો ઉકેલ મહત્વપૂર્ણ
શું તમે કોઈ બિનસાંપ્રદાયિક ગઠબંધનમાં જોડાશો? આ સવાલના જવાબમાં રાશિદનું કહેવું છે કે તેમના માટે મહત્વનું છે કે તેઓ કાશ્મીરનું સન્માન અને ગરિમા પરત કરે અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે.
સુપ્રીમ કોર્ટમાં જવું જોઈતું ન હતું
તમે કહો છો કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પાસે કોઇ રોડમેપ નથી, કાશ્મીર માટે તમારી પાસે કયો રોડ મેપ છે તેવા સવાલના જવાબમાં રાશિદે સવાલ ઉઠાવ્યો હતો કે શું ફારૂક અબ્દુલ્લા ક્યારેય આર્ટિકલ 370ના મુદ્દે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા, શું તેમણે લોકોને શાંતિપૂર્ણ રીતે હડતાળ કરવા માટે કહ્યું હતું?, કલમ 370 એ એક રાજકીય યુદ્ધ હતું અને તે રાજકીય રીતે લડવું જોઈએ. બારામુલ્લાના સાંસદે કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર ન હતી.
આ પણ વાંચો – સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ કહ્યું – શાંતિ માટે ગ્લોબલ રિફોર્મ જરૂરી
રાશિદ એન્જિનિયરનું કહેવું છે કે જો કોઇની પાસે રોડ મેપ હોય તો તે તેની સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. જો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વાયદો કરે કે ભલે 50 વર્ષ બાદ તે સત્તામાં આવે પણ તેઓ કલમ 370ને પુન:સ્થાપિત કરવા માટે બિલ લાવશે, તો હું તેમનું સમર્થન કરીશ. રાશિદનું કહેવું છે કે તે 11 વર્ષથી ધારાસભ્ય છે અને તેણે રસ્તા પર ઉતરીને લડાઇ લડી છે.
રાશિદે ભારપૂર્વક જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે અને સરકાર બનાવવાની વાત ચૂંટણીના પરિણામો પછી જોઇશું.
એનસી-કોંગ્રેસનું ગઠબંધન વિશે શું કહ્યું
રાશિદનું કહેવું છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન એક અપવિત્ર ગઠબંધન છે. રાશિદ કહે છે કે અહીંના લોકો શા માટે રાહુલ ગાંધીનું સમર્થન શા માટે કરશે. કોંગ્રેસે અમને નીચા દેખાડ્યા છે અને અમારું અસલી નુકસાન કોંગ્રેસે કર્યું છે. આર્ટિકલ 370 એ માત્ર એક હાડપિંજર હતું અને મોદીએ તેને દફનાવી દીધું હતું.
જામીનના ટાઇમિંગ અંગેના સવાલના જવાબમાં રાશિદે કહ્યું કે તેમને જામીન એટલા માટે મળ્યા કારણ કે અરવિંદ કેજરીવાલને પણ જામીન મળ્યા હતા. તેમણે પણ ચૂંટણી માટે જામીન માંગ્યા હતા. આવામાં ટાઇમિંગનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે?