J&K Elections, Assembly Election : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મંગળવારે મતદાન થશે. ત્રીજા તબક્કામાં યુટીના સાત જિલ્લાઓમાં ચાલીસ વિધાનસભા બેઠકો પર મતદાન શરું થઈ ગયું છે. આ સાત જિલ્લાઓમાં જમ્મુ વિભાગના જમ્મુ, ઉધમપુર, સાંબા, કઠુઆ અને કાશ્મીર વિભાગના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડાનો સમાવેશ થાય છે. મંગળવારે જે 40 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તેમાંથી 24 બેઠકો જમ્મુ ક્ષેત્રની છે અને 16 બેઠકો કાશ્મીર ઘાટીમાં છે.
ક્યાં થઈ રહી છે ચૂંટણી અને કોણ છે મેદાનમાં?
ચૂંટણીના ત્રીજા તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ સિવાય પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મંત્રી સજ્જાદ લોન અને નેશનલ પેન્થર્સ પાર્ટી ઈન્ડિયાના પ્રમુખ દેવ સિંહ જેવા અગ્રણી નેતાઓનું ભાવિ આ તબક્કામાં દાવ પર છે. સજ્જાદ લોન કુપવાડાની બે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે દેવ સિંહ ઉધમપુરની ચેનાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ભૂતપૂર્વ પ્રધાનો રમન ભલ્લા (આરએસ પુરા), ઉસ્માન મજીદ (બાંદિપોરા), નઝીર અહેમદ ખાન (ગુરેઝ), તાજ મોહિઉદ્દીન (ઉરી), બશારત બુખારી (વાગુરા-ક્રીરી), ઈમરાન અંસારી (પટ્ટન), ગુલામ હસન મીર (ગુલમર્ગ), ચૌધરી લાલ સિંહ (બસોહલી), રાજીવ જસરોટિયા (જસરોટા), મનોહર લાલ શર્મા (બિલાવર), શામ લાલ શર્મા અને અજય કુમાર સધોત્રા (જમ્મુ ઉત્તર), મુલા રામ (મધ), ચંદ્ર પ્રકાશ ગંગા અને મનજીત સિંહ (વિજાપુર) અન્ય ઉમેદવારો મેદાનમાં છે.
આ પણ વાંચોઃ- International Coffee Day 2024: કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ
20,000થી વધુ મતદાન કર્મચારીઓ તૈનાત
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કાની મહત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020 માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
ત્રીજા તબક્કામાં કેટલા મતદારો?
જમ્મુ અને કાશ્મીરની ત્રીજા અને અંતિમ તબક્કામાં જ્યાં મતદાન થશે તે ચાલીસ બેઠકોમાંથી 39.18 લાખથી વધુ મતદારો 5,060 મતદાન મથકો પર તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ત્રીજા તબક્કાના કુલ 39,18,220 લાખ મતદારોમાંથી 20,09,033 પુરૂષો અને 19,09,130 મહિલાઓ છે જ્યારે 57 મતદારો ત્રીજા લિંગના છે. આ તબક્કામાં, 18 થી 19 વર્ષની વયના 1.94 લાખ યુવાનો, 35,860 વિકલાંગ મતદારો અને 85 વર્ષથી વધુ વયના 32,953 વૃદ્ધ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													