scorecardresearch
Premium

ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું – આ આર-પારની લડાઇ, જ્યાં સુધી માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ખતમ નહીં થાય

Jagjit Singh Dallewal : ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને હરિયાણા અને પંજાબની ખાનૌરી બોર્ડર પર 40 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે

Jagjit Singh Dallewal, Farmers Protests
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ હરિયાણા અને પંજાબની ખાનૌરી બોર્ડર પર 40 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે (Express photo by Jasbir Malhi)

Farmers Protests at Khanauri border : ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને હરિયાણા અને પંજાબની ખાનૌરી બોર્ડર પર 40 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. ડલ્લેવાલની ઉંમર 70 વર્ષ છે અને તે કેન્સરના દર્દી છે. તેમની કથળતી તબિયત હોવા છતાં વૃદ્ધ ખેડૂત નેતાએ કોઈ પણ પ્રકારની તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો છે. ખનૌરી અને શંભુ બોર્ડર પર ફેબ્રુઆરી 2024થી ખેડૂતો તેમની માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ડલ્લેવાલે કહ્યું કે આ અમારા માટે કરો યા મરોની લડાઈ છે. તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો. તેમનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી આપતો કાયદો ઘડશે તો તેઓ તેમના ઉપવાસ સમાપ્ત કરી દેશે.

સરકાર વાતચીત માટે બોલાવે તો શું તમે ઉપવાસ સમેટી લેશો? જેના જવાબમાં ડલ્લેવાલે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ પોતાના ઉપવાસ ત્યારે જ કરશે જ્યારે એમએસપી ગેરંટી કાયદો લાગુ કરવામાં આવશે.

હું મરવા માટે તૈયાર છું: ખેડૂત નેતા

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના સંયોજક ડલ્લેવાલનું કહેવું છે કે તેમણે 24 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને એમએસપીની કાનૂની ગેરંટી સહિત કેટલીક માંગણીઓને લઇને આગ્રહ કર્યો હતો. ચાર દાયકાથી વધુ સમયથી ખેડૂત સંઘો સાથે સંકળાયેલા ડલ્લેવાલે જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ધરણા સ્થળ પર પોતાનો જીવ આપવા તૈયાર છે.

એમએસપીની કાનૂની ગેરંટી ખૂબ જ મહત્વપૂર્ણ છે: ડલ્લેવાલ

એક સવાલના જવાબમાં ખેડૂત નેતાએ કહ્યું કે અમે હાઈવે બ્લોક નથી કરી રહ્યા. હરિયાણા સરકાર અમને શાંતિપૂર્ણ રીતે આગળ વધતા રોકી રહી છે. ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓની સમજ રાખનાર ડલ્લેવાલનું કહેવું છે કેખેડૂતો ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં એમએસપીની કાનૂની ગેરંટી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબના ખેડૂતો દ્વારા લડવામાં આવી રહેલી આ લડાઇથી દેશભરના ખેડૂતોને ફાયદો થશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કિસાન સંઘનો ભાગ કેમ અને કેવી રીતે બન્યા, તો તેમણે કહ્યું કે વિદ્યાર્થીકાળમાં તેમને કિસાન યુનિયનમાં કોઇ રસ ન હતો. જોકે તેમના ભાઈ 1980ના દાયકામાં ભારતીય કિસાન સંઘના ગ્રામ્ય કક્ષાના પદાધિકારી બન્યા હતા. આ પછી તેમને ફરીદકોટ જિલ્લાના સાદિક બ્લોકના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. તે ખેડૂત નેતા બનવા માંગતા ન હતા, પરંતુ પછી તે સંમત થયા હતા.

આ પણ વાંચો – દિલ્હી વિધાનસભા ચૂંટણી : દિગ્ગજોને તક, બળવાખોરો પર દાવ, ભાજપની પ્રથમ લિસ્ટથી મળ્યા આ મોટા સંકેત

બાદમાં તેઓ ભારતીય કિસાન યુનિયનના ફરીદકોટ જિલ્લા પ્રમુખ બન્યા અને 2000ના દાયકાના મધ્યમાં પિશોરા સિંહ સિદ્ધુના નેતૃત્વ હેઠળ બીકેયુ (સિદ્ધુપુર)ની રચના કરી. 2017માં તેઓ આ સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. પિશોરા સિંહના નિધન બાદ તેઓ માર્ચ 2018માં પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને તેમના નેતૃત્વમાં બીકેયુ (સિદ્ધુપુર)નું વિસ્તરણ પંજાબના 20 જિલ્લામાં થયું હતું.

સંયુક્ત કિસાન મોરચાની(બિન-રાજકીય) રચના કરી

જગજીત સિંહ ડલ્લેવાલ કહ્યું કે વર્ષ 2020માં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન, બીકેયુ (સિદ્ધુપુર) સંયુક્ત કિસાન મોરચાનો ભાગ હતો. કૃષિ કાયદાઓ રદ થયા પછી કેટલાક યુનિયનોએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓએ એક અલગ રસ્તો અપનાવ્યો હતો અને ખેડૂતોના અધિકારોની લડત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) ની રચના કરી હતી.

તેમનું કહેવું છે કે તેમણે 45 વર્ષથી ખેડૂત સંગઠનો સાથે કામ કર્યું છે અને ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે. છેલ્લા ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા રાજ્યોના ખેડૂતોએ કહ્યું હતું કે એમએસપી માટે ગેરંટી કાયદો પસાર ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું જોઈતું હતું, પરંતુ પછી અમારે આંદોલન મુલતવી રાખવું પડ્યું. હવે ફરી એક વખત આંદોલન છે અને એમએસપીની ગેરંટી કાયદા માટે મેં મારું જીવન દાવ પર લગાવી દીધું છે.

26 નવેમ્બરથી ભૂખ હડતાળ પર છે ખેડૂત નેતા

જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે હું અગાઉ પણ ભૂખ હડતાળ પર ઊતરી ચૂક્યો છું, પરંતુ આ વખતે તે એક સંપૂર્ણ લડાઈ છે. ઉલ્લેખનીય છે કે જગજીત સિંહ ડલ્લેવાલે 25 નવેમ્બર 2024ના રોજ પોતાનું વસિયતનામું બનાવીને જમીન પોતાની વહુ, પુત્ર અને પૌત્રના નામે ટ્રાન્સફર કરી દીધી હતી અને 26 નવેમ્બરથી તેઓ ઉપવાસ પર બેસી ગયા હતા.

ડલ્લેવાલે કહ્યું કે હવે આ આંદોલનમાં ભાગ લેવાની જવાબદારી દેશભરના ખેડૂતોની છે. તેમણે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતોને એકજૂથ થઈને આ સંઘર્ષમાં જોડાવા અપીલ કરી હતી.

Web Title: Jagjit singh dallewal hunger strike at khanauri border said will not end fast until our demands are met ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×