ISRO Reusable Launch Vehicle Pushpak Test: ઈસરોને અંતરિક્ષમાં વધુ એક સફળતા મળી છે. ઇસરોનું રિયૂઝેબલ લોન્ચ વ્હીકલ- એલઇએક્સ – 3 (RLV-LEX3) પુષ્પક સતત ત્રીજી વખત સફળ લેન્ડિંગ થયું છે. આ સફળતા બાદ ઈસરો માટે ‘પુષ્પક’નું ઓર્બિટલ રિ-એન્ટ્રી ટેસ્ટ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બેંગલુરુથી લગભગ 220 કિલોમીટર દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચલકેરે ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર)માં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કેવી રીતે થયું લેન્ડિંગ
માહિતી અનુસાર ઈસરો દ્વારા આરએલવી પુષ્પક વિમાનનું ટેસ્ટિંગ સવારે 7.10 વાગે બેંગ્લોરથી લગભગ 220 કિમી દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચલકેરે ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર) ખાતે કરવામાં આવ્યું હતુ. પુષ્પકને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા 4.5 કિમી ઉંચાઈ પર લઈ જવામાં આવ્યો હતો અને રનવે પર સ્વાયત્ત ઉતરાણ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ ઈસરોએ જ્યારે પ્રયોગ કર્યો હતો ત્યારે પુષ્પકને 150 મીટરની ક્રોસ રેન્જથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્રીજા પ્રયોગમાં ક્રોસની રેન્જ વધારીને 500 મીટર કરવામાં આવી હતી. પુષ્પકને 320 કિમી પ્રતિ કલાકની ઝડપે છોડવામાં આવ્યો હતો.
આરએલવી પ્રોજેક્ટ શું છે?
આરએલવી પ્રોજેક્ટમાં ઈસરો અંતરિક્ષમાં માનવ હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.રિયૂઝેબલ લોન્ચ વ્હીકલમાં ઈસરોને અવકાશમાં ઓછા ખર્ચે પ્રવેશ મળશે. આનાથી અંતરિક્ષમાં આવવા-જવાનું સસ્તું થશે. એક વાર ઉપયોગ કર્યા બાદ આ વ્હીકલનો બીજી વખત ઉપયોગ કરી શકાય છે. ભારતે અત્યાર સુધીમાં હજારો સેટેલાઇટ લોન્ચ કર્યા છે.
હાલ ભારતને સેટેલાઇટમાં કોઇ ખામી સર્જાય તો નાસાની જરૂર પડે છે અથવા તો સુધારવાનો કોઇ રસ્તો નથી હતો. આ લોન્ચ વ્હીકલની મદદથી તેને નષ્ટ કરવાને બદલે રિપેર કરી શકાય છે. એટલું જ નહીં, બાયોલોજી અને ફાર્માને લગતા રિસર્ચ ઝીરો ગ્રેવિટીમાં કરવામાં સરળતા રહેશે.