Israel Attack on Iran | ઈરાન પર ઈઝરાયેલ હુમલો : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. ઈરાન દ્વારા 300 મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી છે. જોકે, પશ્ચિમી દેશોએ ઈઝરાયેલને ઈરાન સામે બદલો ન લેવાની સૂચના પણ આપી હતી. પરંતુ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ તેને પોતાની વિશ્વસનીયતાનો પ્રશ્ન બનાવી દીધો હતો અને આજે ઈઝરાયેલે ઈરાનના કેટલાંક લક્ષ્યાંકો પર અનેક મિસાઈલો છોડી હતી.
ઈઝરાયેલ નો ઈરાન પર હુમલો
ઈરાને મિસાઈલ હુમલાથી બચવા માટે દેશના તમામ શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. ઈઝરાયેલે ઈરાનના ઘણા એરપોર્ટને પણ નિશાન બનાવ્યા છે. આ કારણે ઘણી ફ્લાઈટ્સને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
ઈઝરાયેલ બદલો લેવા મક્કમ
ઈઝરાયલે આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયેલને અમેરિકાની ધરતી પરથી ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરશે તો, તેનો તરત જ અને પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે. આ દાવા પછી તરત જ ઈઝરાયેલે હુમલો કરીને પોતાની તાકાત બતાવી દીધી. પરંતુ
ઈરાનના અધિકારીઓ હવે નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના દેશમાં કોઈ હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો ઈઝરાયેલે જ કર્યો છે. આમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી. જોકે ઈઝરાયેલે આ હુમલા અંગે અમેરિકાને જાણ કરી હતી.
ઈરાને પહેલા ઈઝરાયેલ પર કર્યો હુમલો
તમને જણાવી દઈએ કે, ઈરાને 13 એપ્રિલની વહેલી સવારે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં કિલર ડ્રોનથી લઈને બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલનો સમાવેશ થાય છે. આ હુમલા પછી, ઇઝરાયેલ આર્મી દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમને સક્રિય કરવામાં આવી હતી. જેના કારણે 99 ટકા હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ઈઝરાયલ ઈરાન યુદ્ધ : ઈઝરાયલનો ઈરાન પર મસાઈલ હુમલો, ઈસ્ફહાનના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો
ઇઝરાયેલ આર્મી IDF ના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, ઇરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ પછી, એર ડિફેન્સ સિસ્ટમની મદદથી 99 ટકા હુમલાઓને અટકાવવામાં આવ્યા હતા. હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ઈઝરાયલની સાથે આવ્યા હતા. ઇઝરાયલે નક્કી કર્યું હતું કે, તે યોગ્ય જવાબ આપશે.