India Statement On Iran Israel Tension: ઈરાન પર ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ ફરી એકવાર તણાવ વધ્યો છે. આ દરમિયાન ભારતે બંને દેશોને સલાહ આપી છે કે, આ સંઘર્ષ વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. ભારતે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે કોઈ પણ દેશનું નામ લીધા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવા અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાના આહ્વાનનું પુનરાવર્તન કરીએ છીએ.
ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, આવી દુશ્મનીથી કોઈને ફાયદો થતો નથી અને તેના કારણે નિર્દોષ નાગરિકો સહન કરી રહ્યા છે. ઈરાનના વિદેશ પ્રધાને એક નવા નિવેદનમાં કહ્યું છે કે તેમની પાસે તેમના લોકોની સુરક્ષા માટે કોઈ સરહદો નથી.
ભારતનું કડક નિવેદન
ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ભારતના સારા સંબંધો છે, તેથી ભારત તરફથી સંવાદ ની સલાહ એક મજબૂત નિવેદન છે. ભારતે પોતાનું ધ્યાન સામાન્ય નાગરિકો તરફ કેન્દ્રિત કર્યું છે અને બંને દેશોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ પહેલા ઇઝરાયેલની સેનાએ કહ્યું હતું કે તેના વિમાનોએ એવા સ્થળોને નિશાન બનાવ્યા છે જેનો ઈરાન ઈઝરાયેલ પર મિસાઇલ છોડવા માટે ઉપયોગમાં લેતું હતું. જો કે, ઈરાનને થયેલા નુકસાન અંગે ઈઝરાયેલ દ્વારા કોઇ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
ઈરાનની રાજધાની તેહરાનમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, જો કે ઈરાને કહ્યું હતું કે આ હુમલાઓથી વધારે નુકસાન થયું નથી.
ભારત કોની સાથે છે?
ભારત બંને દેશો વચ્ચે 1 ઓક્ટોબરથી તણાવ શરૂ થયો ત્યારથી ભારત આ મામલા પર નજર રાખી રહ્યું છે. ભારતે બંને દેશો પાસેથી શાંતિની અપીલ કરી અને ક્યારેય કોઈ એક દેશના સમર્થનમાં નિવેદન આપ્યું નથી. આવી સ્થિતિમાં, ભારતે તાજેતરના નિવેદનમાં બંને દેશોને ચેતવણી પણ આપી છે કે આ મુદ્દે શાંતિ જાળવવી અને વાતચીત દ્વારા આ મુદ્દાને હલ કરવો એ એક વધુ સારો વિકલ્પ છે.
ઈરાન પર ઈઝરાયેલનો ફરી હુમલો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ ઈરાનના રાષ્ટ્રીય પોલીસ દળના 10 સભ્યો તેહરાનથી 1200 કિલોમીટર દક્ષિણપૂર્વમાં માર્યા ગયા હતા. શનિવારે સવારે ઈરાન પર ઈઝરાઇલના હવાઈ હુમલા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી અને કોઈ જૂથે જવાબદારી લીધી નથી.
ઈરાન એ આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે અમારા સૈન્ય કેન્દ્રો પર આક્રમક કાર્યવાહીની કડક નિંદા કરીએ છીએ અને અમારી ધરતી પર બાહ્ય હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે હકદાર છીએ.