Iran Israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. સીરિયામાં તેના દૂતાવાસ પર 1 એપ્રિલના હવાઈ હુમલાનો બદલો લેતા ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર ડ્રોન એટેક કર્યા હતા. ઇઝરાયેલની સેનાના પ્રવક્તા રીઅર એડમી ડેનિયલ હગારીએ ડ્રોન એટેકની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસની ઈમારત પર ઈઝરાયેલના હુમલાના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા હતા , જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના બે ઉચ્ચ કક્ષાના સભ્યો – કુદ્સ ફોર્સના કમાન્ડર મોહમ્મદ-રેઝા ઝાહેદી અને તેમના નાયબ મોહમ્મદ સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિની રવિવારે બેઠક યોજાશે
એક રાજદૂતે જણાવ્યું કે, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ રવિવારે એક બેઠક યોજવાનું નક્કી કર્યું છે. ઇઝરાયેલે ઇરાન પર ઇરાનના હુમલાની નિંદા કરવા અને ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવાની વિનંતી કરવામાં આવી છે. રાજદૂતે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, આ આકસ્મિક બેઠક રવિવારે સાંજે 4 વાગેની આસપાસ યોજાશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને શનિવારે કાઉન્સિલના પ્રમુખને લખેલા પત્રમાં કાઉન્સિલને તાત્કાલિક બેઠક યોજવાની વિનંતી કરી હતી.
એર્ડને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું – ઈરાનનો હુમલો વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર ખતરો છે અને હું ઈચ્છું છું કે કાઉન્સિલ ઈરાન વિરુદ્ધ નક્કર પગલાં લેવા માટે દરેક વિકલ્પનો ઉપયોગ કરે.
જર્મની, ફ્રાન્સ અને કેનેડા ઈરાનના હુમલાની નિંદા કરી
ફ્રાન્સની સરકારે ઇઝરાયેલ પરના ઇરાની હવાઇ હુમલાની જબરદસ્ત નિંદા કરી છે. ફ્રાન્સના વિદેશ પ્રધાન સ્ટેફન સેજોર્ને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આવી અભૂતપૂર્વ કાર્યવાહી કરીને ઈરાને તેના કૃત્યોની એક નવી સીમા પાર કરી છે અને સંભવિત લશ્કરી કાર્યવાહીનું જોખમ છે.
તો જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોકે એક્સ પર રવિવારે લખ્યું – જર્મની આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે, જે સમગ્ર પ્રદેશ અરાજકતામાં ડૂબી શકે છે. ઈરાન અને તેના સહયોગીઓએ આ તરત જ બંધ કરવું જોઈએ. અમે આ સમયે ઇઝરાયેલ સાથે જોડાયેલા છીએ.
આ પણ વાંચો | ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો! ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની ખૂબ નજીક, યુરેનિયમ જમા, ઈઝરાયેલનું ટેન્શન વધ્યું
તેવી જ રીતે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેમનું રાષ્ટ્ર ઇરાન દ્વારા ઇઝરાયેલ સામેના હવાઈ હુમલાની નિંદા કરે છે. અમે ઈઝરાયેલ સાથે ઉભા છીએ. હમાસના ઘાતકી ઑક્ટોબર 7ના હુમલાને સમર્થન આપ્યા પછી, ઈરાનની તાજેતરની કાર્યવાહીઓ પ્રદેશને વધુ અસ્થિર બનાવશે અને સ્થિર શાંતિને વધુ મુશ્કેલ બનાવશે.