Increase in The Price of Pulses | કઠોળના ભાવમાં વધારો : દેશનો સૌથી મોટો લોકશાહી તહેવાર એટલે કે, ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને હવે મોંઘવારી ઝડપથી વધી રહી છે. રસોડામાં પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. સામાન્ય માણસની થાળીમાંથી કઠોળ અને શાકભાજી ગાયબ થવા લાગ્યા છે. દૂધ અને દહીંના ભાવ પહેલાથી જ વધી ગયા છે. હવે બટાટા અને ટામેટાંના ભાવ પણ દિવસે દિવસે વધી રહ્યા છે. દાળના ભાવ તો હાલ આસમાને પહોંચ્યા છે અને લોટ અને ચોખા પણ મોંઘા થઈ રહ્યા છે.
જૂન મહિનામાં ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોને પરસેવો પાડી દીધો છે. 2 વખતની રોટલી પણ સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે પડી રહી છે. મોંઘવારીનાં આંકડાએ બધું જ ખુલ્લું પાડી દીધું છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 15 મહિનામાં સૌથી વધુ પહોંચી છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 2.61 ટકા પર પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં તે માત્ર 1.26 ટકા હતો. પરંતુ મે મહિનામાં તે વધીને 2.61 ટકા થયો છે.
સરકારી આંકડા મુજબ, ખાદ્યપદાર્થોના ભાવ પણ મે મહિનામાં 9.82 ટકાના 10 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. દાળ હોય, શાકભાજી હોય, ફળ હોય કે તેલ, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. જૂનની આકરી ગરમીમાં મોંઘવારીમાંથી રાહત મળવાની આશા ઓછી જ છે.
દૂધ અને શાકભાજીના ભાવમાં વધારો
જૂન મહિનાની ગરમી વચ્ચે તેલ, દૂધ, શાકભાજી, બટાટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. અમૂલ, પરાગ, મધર ડેરી જેવી ડેરી કંપનીઓએ પહેલેથી જ દૂધ, દહીં, ચીઝ વગેરે ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. ખાદ્યતેલના ભાવમાં પણ તાજેતરના સમયમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. બટાકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
હવે જો આંકડાઓમાં ફુગાવાની વાત કરીએ તો, ખાદ્ય પદાર્થોના ફુગાવાના દરમાં 1.88 ટકા અને શાકભાજીના ફુગાવાના દરમાં 32.42 ટકાનો વધારો થયો છે. ડુંગળીનો મોંઘવારી દર 58.05 ટકા પર પહોંચી ગયો છે. બટાટાનો મોંઘવારી દર 64.05 ટકા છે. કઠોળનો મોંઘવારી દર 21.95 ટકા છે. છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દાળના ભાવ ચિકન કરતા પણ ઉંચા પહોંચી ગયા છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 20 દિવસથી દાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અડધની દાળ જે 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી તે આજે 220થી 230 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં કેશવ પ્રસાદ અને યોગીને મળશે મોહન ભાગવત, યુપી ભાજપમાં મોટા ફેરબદલનાં એંધાણ?
શાકભાજી મોંઘા થવાનું કારણ?
મોંઘવારીની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે, તેના ઘણા કારણો છે. આકરી ગરમીના કારણે ખેતરોમાં શાકભાજી સુકાઈ રહ્યા છે. ફળ આપ્યા બાદ ગરમીના કારણે છોડ બળી રહ્યા છે. હવામાનના કારણે લીલા શાકભાજીને વધુ ફટકો પડી રહ્યો છે. કોલ્ડ સ્ટોરમાં શાકભાજી રાખવા માટે પણ જગ્યા બચી નથી. ગરમીના કારણે શાકભાજી ઝડપથી બગડી રહ્યા છે. એટલું જ નહીં, શાકભાજીની હેરફેરમાં પણ મુશ્કેલી પડી રહી છે.