India Weather Forecast : વર્ષનો ચોથો મહિનો એટલે કે એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે. આ સાથે જ દેશભરના અનેક રાજ્યોમાં આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલ મહિનાથી જૂન સુધી સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળશે. એટલે કે કાળઝાળ ગરમી પડી શકે છે. દેશના મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગોમાં હીટવેવ જોવા મળે તેવી અપેક્ષા છે. હવામાન કચેરીએ સોમવારે આ માહિતી આપી હતી.
એપ્રિલથી જૂન સુધી લોકોને આકરી ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન વધુ ગરમી પડશે. તેની સૌથી ખરાબ અસર મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર જોવા મળશે. આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
ગરમીના પ્રકોપથી લોકોની મુશ્કેલી વધશે
મહાપાત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલયના પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની ધારણા છે. આ ત્રણ મહિના દરમિયાન મેદાની વિસ્તારોના મોટાભાગના ભાગોમાં હીટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો – રાજસ્થાન પ્રવાસન સ્થળ : ગુજરાતીઓ માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ આ ટોપ 10 સ્થળો
રાજસ્થાનમાં ફલોદીમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસોમાં જોધપુરના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે. કેરળની પણ આવી જ સ્થિતિ છે. કેરળમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. એપ્રિલની શરૂઆતમાં જ અહીં લોકોને પરસેવો વળવા લાગ્યો છે.
આ રાજ્યોમાં રહેશે વધારે ગરમી
આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે જે રાજ્યોમાં સૌથી વધુ ગરમ રહેશે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના ઉત્તરીય ભાગ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢનો ઉત્તર ભાગ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિનામાં પણ મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. મધ્ય ભારતના ઘણા ભાગોમાં અને ઉત્તરના મેદાનો અને દક્ષિણ ભારતના નજીકના વિસ્તારોમાં એપ્રિલ સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની ધારણા છે.