Pakistan FATF Grey List: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારત હવે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. સરકારી સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે, ભારત એફએટીએફ (FATF)માં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવશે, જેથી પાકિસ્તાનને ફરી એકવાર FATFની ગ્રે લિસ્ટમાં નાખી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત ખાસ કરીને એવી કાયદાકીય જોગવાઇઓ ઉઠાવશે, જેનું પાલન કરવાનો વાયદો પાકિસ્તાને 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે કર્યો હતો.
એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે તપાસ કરી રહી છે. આ માટે કામગીરી ચાલી રહી છે. સરકાર એક ડોઝિયર તૈયાર કરી રહી છે જે FATFની આગામી પૂર્ણ બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક જૂન 2025માં યોજાવાની છે. જૂનમાં વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી આર્થિક મદદની સમીક્ષા પર પણ ભારત વાંધો ઉઠાવશે.
FATFના ગ્રે લિસ્ટમાં મોકલવાની યોજના શા માટે છે?
આ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે ભારત સરકાર એફએટીએફમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પડોશી દેશને નાણાકીય સહાય પૂરી પાડતા ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. ભારત સરકારે આ નિર્ણય 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ લીધો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના 26 નાગરિકો માર્યા ગયા હતા.
અગાઉ પણ પાકિસ્તાનને લાગ્યા છે FATF નો ફટકો
તમને જણાવી દઇયે કે, જૂન 2019માં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’ પર મૂકવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2022માં તેને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી “એડિશનલ સર્વેલન્સ” નો સામનો કરવો પડ્યો હતો. આ ગ્રે લિસ્ટમાં હોવાને કારણે એફડીઆઈ અને ભંડોળ પર નકારાત્મક અસર પડે છે કારણ કે વ્યવસાયોને વધુ મહેનત કરવી પડે છે. સરકારી અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આનાથી પાકિસ્તાનથી ભારતમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર રોકડ પ્રવાહને ઘટાડવામાં મદદ મળી છે.
ભારતને સભ્ય દેશોના સમર્થનની જરૂર
આ મહિનાની શરૂઆતમાં, ભારતે પડોશી દેશ દ્વારા આતંકવાદી હુમલા માટે નાપાક પ્રવૃત્તિઓ અને ભંડોળના દુરૂપયોગને ટાંકીને જુલાઈ 2024 થી શરૂ થનારા પાકિસ્તાન માટે 7 અબજ ડોલરના સહાય પેકેજ હેઠળ ભંડોળ મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાન માટે ગ્રે લિસ્ટ ના દરજ્જો માંગવા માટે નામાંકન પ્રક્રિયા શરૂ કરવા ભારતને FATFના અન્ય સભ્ય દેશોના સમર્થનની જરૂર પડશે.