India Pakistan Ceasefire: ભારત પાકિસ્તાન વચ્ચે 10 મેનીસાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સેનાએ એકબીજાના હુમલાને નિષ્ફળ બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન સરહદની બંને બાજુથી નુકસાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા.
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ભારતીય સેનાની કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ અને ત્યારબાદ પાકિસ્તાનના તોપમારાને કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ વધતો જતો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 મેના રોજ સાંજે પાંચ વાગ્યે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી વાટાઘાટો પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટ બાદ ભારત અને પાકિસ્તાનની સરકારે પણ આ અંગે જાહેરાત કરી હતી. આ અગાઉ 7 મેની સવારે ભારતીય સેનાએ કહ્યું હતું કે તેણે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં અનેક લક્ષ્યો પર 6 અને 7 મેની વચ્ચેની રાત્રે હુમલો કર્યો હતો. ત્યાર બાદ આ તણાવ વધુ ઘેરો બન્યો છે.
આવી સ્થિતિમાં જ્યારે ચાર દિવસની અંદર યુદ્ધવિરામ થયો ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે કોંગ્રેસ, કોંગ્રેસના સમર્થકો અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કરી રહ્યા છે.
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન પદના કાર્યની તુલના નરેન્દ્ર મોદી સાથે કરવા વિશે પૂછવામાં આવતા કહ્યું કે, 1971 એક મોટી ઉપલબ્ધિ હતી, ઈન્દિરા ગાંધીએ ઉપમહાદ્વીપનો નક્શો ફરીથી લખ્યો, પરંતુ સંજોગો અલગ હતા. બાંગ્લાદેશ એક નૈતિક હેતુ માટે લડી રહ્યું હતું અને બાંગ્લાદેશને મુક્ત કરાવવાનો હેતુ સ્પષ્ટ હતો. માત્ર પાકિસ્તાન પર તોપમારો કરવો એ સ્પષ્ટ ઉદ્દેશ્ય નથી.
કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલે ઈન્દિરા ગાંધી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની તસવીર શેર કરી છે.
આ તસવીર સાથે કોંગ્રેસે લખ્યું કે, “ઇન્દિરા ગાંધીએ નિક્સનને કહ્યું હતું કે ‘અમારી કરોડરજ્જુ સીધી છે’. આપણી પાસે ઇચ્છાશક્તિ અને સંસાધનો છે કે અમે દરેક અત્યાચારનો સામનો કરી શકીયે છીએ. એ દિવસો ગયા જ્યારે કોઈ દેશ ત્રણ કે ચાર હજાર માઈલ દૂર બેસે છે અને આદેશ આપે છે કે ભારતીયોએ તેમની ઇચ્છા મુજબ ચાલવું જોઈએ. ’
કોંગ્રેસે ટ્વીટમાં લખ્યું, ‘આ હિંમત હતી. આ હતું ભારત માટે અડિખમ ઉભા રહેવું અને દેશની ગરિમા સાથે સમાધાન ન કરવું.
કોંગ્રેસ સહિત અમુક સોશિયલ મીડિયા યુઝર્સ યુપીએસસી કોચિંગ સાથે જોડાયેલા શિક્ષક વિકાસ દિવ્યકિર્તીનો એક જૂનો વીડિયો પણશેર કરી રહ્યા છે.
આ વીડિયોમાં વિકાસ દિવ્યકિર્તી કહે છે કે એક મહિલા વડાપ્રધાન બની અને તેણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. અન્ય લોકો કહેતા રહે છે કે હું સર્જિકલ સ્ટ્રાઇક કરી દઇશ. તેમણે કહ્યું નહીં, કરી નાખ્યું.
જો કે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે 1971 અને 2025ની સરખામણી કરવી યોગ્ય નથી. 1971માં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ બાદ બાંગ્લાદેશની રચના થઇ ત્યારે સોવિયત સંઘ હતું, પરંતુ 1991માં તે વિખેરાઇ ગયું અને પછી રશિયા અસ્તિત્વમાં આવ્યું.
આ પણ વાંચો | ભારતની ફૂટનીતિક જીત છે યુદ્ધવિરામ, સમજા કેવી રીતે પાકિસ્તાનને બતાવ્યું તેનું સ્થાન
રશિયા પાસે તે તાકાત નથી રહી જે સોવિયત સંઘ પાસે હતી અને આને ભારત માટે પણ આંચકો માનવામાં આવતું હતું. એક તરફ સોવિયત સંઘે ભારતનું સમર્થન કર્યું તો બીજી તરફ પાકિસ્તાન તે સમયે પરમાણુ શક્તિ સંપન્ન દેશ ન હતો.