scorecardresearch
Premium

India-Iran Chabahar Port Deal : ચાબહાર પોર્ટ ડીલથી ભારતને શું ફાયદો થશે? 10 વર્ષ માટે આ કરારમાં શું શરતો છે?

India-Iran Chabahar Port Deal : ઈરાન અને ભારત વચ્ચે ચાબહાર પોર્ટ ડીલ થયા બાદ અમેરિકા, ચીન અને પાકિસ્તાન લાલઘૂમ થયા છે, પરંતુ ભારત માટે આ ડીલ કેમ ખાસ છે, ભારતને શું ફાયદો થશે તે જોઈએ.

India-Iran Chabahar Port Deal
ઈરાન ભારત, ચાબહાર પોર્ટ ડીલ (ફોટો – એક્સપ્રેસ)

India Iran Chabahar Port Deal : ચાબહાર પોર્ટ ડીલ : ભારતને ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલન માટે 10 વર્ષનો અધિકાર મળી ગયો છે. ભારત અને ઈરાને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ડીલ પર હસ્તાક્ષર થતાં જ પાકિસ્તાન અને ચીન જ નહીં પરંતુ અમેરિકાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકા ભારત પર પ્રતિબંધ લાદવાની ધમકી પણ આપી છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે ભારતીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને તેમના ઈરાની સમકક્ષની હાજરીમાં ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો જોઈએ, આ ચાબહાર ડીલ શું છે અને તેનાથી ભારતને કેટલો ફાયદો થશે, ચાલો આ અહેવાલમાં વિગતવાર સમજીએ.

આ કરાર પર 10 વર્ષ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે

ભારતે ચાબહારમાં ઈરાનના શાહિદ બેહેશ્તી પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર લીધું છે. આ બંદરનું સમગ્ર સંચાલન હવે ભારત પાસે આવી ગયું છે. આ ડીલથી ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે નવો માર્ગ મળશે. આવી સ્થિતિમાં ભારતને હવે પાકિસ્તાનની જરૂર નહીં રહે. અત્યાર સુધી આ દેશોનો માર્ગ પાકિસ્તાન થઈને જ આવતો હતો. આ ડીલ હેઠળ, ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) ચાબહાર પોર્ટમાં $120 મિલિયનનું રોકાણ કરશે.

ચાબહાર પોર્ટ ભારત માટે શા માટે ખાસ છે?

5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાના સપના તરફ આગળ વધવા માટે આ બંદર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ બંદરથી ભારત ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકે છે. ચાબહાર પોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ (INSTC) કોરિડોરને જોડે છે.

તમને જણાવી દઈએ કે, INSTC રશિયાથી શરૂ થાય છે, જે અઝરબૈજાન થઈને ઈરાન સાથે જોડાય છે. રશિયા અને મધ્ય એશિયાના દેશો INSTC દ્વારા તેમનો વેપાર વધારવા માંગે છે. હવે ભારત 30 દિવસમાં તેનો સામાન યુરોપમાં પહોંચાડી શકશે. આનો બીજો ફાયદો એ છે કે, ચાબહાર પોર્ટ અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ વચ્ચેનું અંતર લગભગ 170 કિલોમીટર છે. અહીં વધુ રોકાણ કરવાથી ભારતને એકાધિકાર મળશે. ભારત અહીંથી પાકિસ્તાન પર સીધી નજર પણ રાખી શકશે. હાલમાં ગ્વાદર પોર્ટ પર ચીનની નજર છે.

ચાબહાર બંદર ક્યાં છે

ચાબહાર પોર્ટ ઓમાનના ખલી સાથે જોડાયેલું છે. તે ઈરાનમાં સ્થિત પ્રથમ ડીપ વોટર પોર્ટ છે. તે ઈરાનને દરિયાઈ માર્ગે અન્ય દેશો સાથે જોડે છે. ચાબહાર ઈરાનની સરહદને પાકિસ્તાન સાથે પણ નજીકથી જોડે છે. ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે.

ચાબહાર એરપોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) નો પણ એક ભાગ છે. તે હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને કેસ્પિયન સમુદ્રથી ઈરાન અને ઉત્તર યુરોપથી રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ થઈને જોડતો બહુ-મોડલ પરિવહન પ્રોજેક્ટ છે. રેલ, માર્ગ અને જહાજ દ્વારા નૂર પરિવહન માટે તે 7200 કિમીનો માર્ગ છે.

2003 થી કામ ચાલી રહ્યું છે

ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ પર કામ 2003 માં શરૂ થયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામી જ્યારે ભારત આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી. ભારત બંદર માટે મદદ આપવા સંમત થયું. 2013 માં, ભારતે ચાબહારના વિકાસ માટે $100 મિલિયનનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો – Pakistan Economic Crisis | પાકિસ્તાન આર્થિક સંકટ : કેમ PoK ઉકળી રહ્યું? હિંસક પ્રદર્શન, 90 થી વધુ ઘાયલ

2016 માં, પીએમ મોદીએ ચાબહારની મુલાકાત લીધી અને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને એક કેન્દ્રીય પરિવહન બિંદુ તરીકે ચાબહાર સહિત આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી, જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની 2018 માં ભારત આવ્યા હતા, ત્યારે બંનેએ બંદરમાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરવાની વાત કરી હતી.

Web Title: India iran chabahar port deal what will be the benefit to india what is there in the 10 year agreement km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×