હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસુ કેરળના દરિયાકાંઠે સમય કરતાં પાંચ દિવસ વહેલા પહોંચી શકે છે. ચોમાસુ 27 મેના રોજ આવવાની ધારણા છે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળના દરિયાકાંઠે પહોંચે છે. IMD ના ડેટા અનુસાર, જો ચોમાસુ અપેક્ષા મુજબ કેરળ પહોંચે છે તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન હશે. ત્યારબાદ ચોમાસુ 23 મેના રોજ પહોંચ્યું હતું.
સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું ફરી જાય છે. IMD એ એપ્રિલમાં 2025 ના ચોમાસામાં સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલ અલ નિનો સ્થિતિની શક્યતાને નકારી કાઢી હતી.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ‘ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.’ આ વખતે ચોમાસા પહેલાની ઘણી પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન અને વરસાદની ગતિવિધિઓ ચાલુ છે. શનિવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ પડ્યા બાદ હવામાન ઠંડુ થઈ ગયું હતું. ત્યાં જ છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, હરિયાણા અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: શિક્ષિકાએ કોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માંગી, સુરતમાં સગીર વિદ્યાર્થી સાથે થઈ હતી ફરાર
પશ્ચિમી વિક્ષેપ અને અન્ય કારણોસર ઉત્તર ભારતમાં વરસાદને કારણે, અત્યાર સુધી હીટવેવનો વધુ પ્રકોપ જોવા મળ્યો નથી. ત્યાં જ ગરમી વધવાની શક્યતા વચ્ચે ચોમાસાના વહેલા આગમનના સમાચાર પણ રાહતદાયક છે.
ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ફરી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. હવમાન વિભાગ પ્રમાણે રાજ્યના દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.